કલોલની સ્વામિનારાયણ મેડિકલ સહિત 40 મેડિકલ કોલેજોમાં CBIના દરોડા, સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
Story By Prashant Leuva

કલોલ: ભારતભરની 40 મેડિકલ કોલેજોમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ગુજરાતની કલોલ સ્થિત સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પણ સામેલ છે. CBIએ 36 લોકો સામે FIR નોંધી છે, જેમાં કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સ્વામી ભક્તવત્સલદાસજીનું નામ પણ સામેલ છે. આ ફરિયાદમાં નેશનલ મેડિકલ કમિશન (NMC)ની નિરીક્ષણ પ્રક્રિયામાં લાંચખોરી, બનાવટી ફેકલ્ટી (ઘોસ્ટ ફેકલ્ટી), અપૂરતી સુવિધાઓ અને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અવગણવાના આરોપો લગાવવામાં આવ્યા છે. ઇન્સ્પેક્શન ટિમ પહોંચે તે અગાઉ ભૂતિયા દર્દીઓ ઉભા કરી દેવામાં આવતા હતા. સ્વામિનારાયણ સિવાય કલોલની અન્ય એક મંજૂરી પ્રાપ્ત મેડિકલ કોલેજમાં આવા ગોરખધંધા ચાલી રહ્યા છે તેવી આશંકા મજબૂત બની છે.
શું છે આરોપ
CBIની તપાસમાં જાણવા મળ્યું છે કે નવા રાયપુર (છત્તીસગઢ) સ્થિત શ્રી રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચને લાભદાયી નિરીક્ષણ રિપોર્ટ આપવા માટે NMCની ટીમના ત્રણ ડોક્ટરો સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમણે રૂ. 55 લાખની લાંચ લીધી હોવાનો આરોપ છે. આ ઉપરાંત, FIRમાં અન્ય પ્રમુખ નામોમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના ચેરમેન ડી.પી. સિંહ, ગીતાંજલિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મયુર રાવલ, રાવતપુરા ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન રવિશંકર જી મહારાજ અને ઇન્ડેક્સ મેડિકલ કોલેજના ચેરમેન સુરેશ સિંહ ભદોરિયાનો પણ સમાવેશ થાય છે.
લાંચખોરીનું નેટવર્ક
CBIની તપાસમાં ખુલાસો થયો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આઠ અધિકારીઓ, NMCના પાંચ ડોક્ટરો અને અન્ય મધ્યસ્થીઓના સહયોગથી એક વ્યાપક ભ્રષ્ટાચારનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ નેટવર્ક દ્વારા ગોપનીય દસ્તાવેજોની ગેરકાયદેસર નકલ, નિરીક્ષણની તારીખો અને નિરીક્ષકોની ઓળખની માહિતી મેડિકલ કોલેજોને લાંચના બદલામાં પૂરી પાડવામાં આવતી હતી. આ માહિતીના આધારે કોલેજો બનાવટી ફેકલ્ટી, ખોટા દર્દીઓ અને બાયોમેટ્રિક હાજરીમાં હેરફેર કરીને નિરીક્ષણમાં પાસ થતી હતી.
અહીં ક્લિક કરી અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો : https://www.youtube.com/@itf_kalolsamachar
કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પર ગંભીર આરોપ
કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પર આરોપ છે કે તેમણે અપૂરતી સુવિધાઓ અને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં લાંચ આપીને NMCના નિરીક્ષણમાં પાસ થવા માટે ગેરરીતિઓ આચરી હતી. સ્વામી ભગતવત્સલદાસજી સામે આરોપો લાગ્યા છે કે તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ ઘટનાએ ગુજરાતના શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રમાં ચકચાર મચાવી છે અને સ્થાનિક લોકોમાં આ બાબતે રોષ ફેલાયો છે.
CBIની કાર્યવાહી
CBIએ છ રાજ્યો—ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. CBIએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2) (ગુનાહિત કાવતરું) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7, 8, 9, 10 અને 12 હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ હજુ ચાલુ છે, અને વધુ ધરપકડની સંભાવના છે. લોકોએ શું કહ્યું ?
કલોલના રહેવાસીઓ અને શૈક્ષણિક સમુદાયમાં આ ઘટનાએ આઘાત અને નારાજગી ફેલાવી છે. ઘણા લોકો માંગ કરી રહ્યા છે કે સ્વામિનારાયણ મેડિકલ કોલેજની સુવિધાઓ અને શૈક્ષણિક ગુણવત્તાની ફરીથી તપાસ કરવામાં આવે. આ ઉપરાંત, NMC અને આરોગ્ય મંત્રાલયની નિરીક્ષણ પ્રક્રિયામાં પારદર્શિતા અને કડકાઈની માંગ ઉઠી રહી છે.