108માં નિયમોની આંટીઘૂંટી : દર્દીનો જીવ જતો હોય ત્યારે સામે પડેલી એમ્બ્યુલન્સ સહારો ના બને તો શું કામની ?

108માં નિયમોની આંટીઘૂંટી : દર્દીનો જીવ જતો હોય ત્યારે સામે પડેલી એમ્બ્યુલન્સ સહારો ના બને તો શું કામની ?

Share On

108માં નિયમોની આંટીઘૂંટી : દર્દીનો જીવ જતો હોય ત્યારે સામે પડેલી એમ્બ્યુલન્સ સહારો ના બને તો શું કામની ?

BY પ્રશાંત લેઉવા 

કલોલ : સરકાર દ્વારા ઈમર્જન્સીમાં લોકોને સુવિધા મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સની ખૂબ સારી શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધી 108 એમ્બ્યુલન્સ દ્વારા લાખો લોકોનો જીવ બચ્યો છે. જોકે 108 એમ્બ્યુલન્સ બોલાવવાની પદ્ધતિ અને તેના નીતિ નિયમોને કારણે અમુક વખત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીનો જીવ પણ જઈ શકે તેમ છે. તેનું તાજું ઉદાહરણ કલોલમાં જોવા મળ્યું હતું.

કલોલના પૂર્વ વિસ્તારમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાબડતોડ સારવાર માટે કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવે છે. અહીં ઉપસ્થિત ડોક્ટર દ્વારા યુવકને પ્રાથમિક સારવાર કરાઈ હતી અને તેને ગાંધીનગર સિવિલ ખાતે રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર નિલેશ આચાર્ય પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સના કંટ્રોલ રૂમને ફોન લગાવ્યો હતો.  સમય 7.10 મિનિટે એમ્બ્યુલન્સને ફોન લગાવવામાં આવ્યો હતો. કંટ્રોલરૂમ દ્વારા દર્દીનો જીવ જતો હતો તો પણ અનેક પ્રકારની પૂછપરછ કરવામાં આવી.

આ સમય દરમિયાન અન્ય એક એમ્બ્યુલન્સ અકસ્માતના ઘાયલ દર્દીને લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવી હતી. એટલે ત્યાં હાજર રહેલા ગળે ફાંસો ખાધેલા યુવકના પરિવારજનો  તેમજ નિલેશ આચાર્ય દ્વારા એમ્બ્યુલન્સના કર્મચારીઓને વિનંતી કરવામાં આવી કે દર્દીનો જીવ જઈ રહ્યો છે તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર રીફર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો આપ આ 108 એમ્બ્યુલન્સમાં તેને લઈ જાવ અને કંટ્રોલ રૂમમાં પણ જાણ કરી દો. પરંતુ ત્યાં હાજર રહેલ 108 ના કર્મચારીઓએ પરિવારજનોને સામે નિયમ બતાવ્યા હતા.

એક તરફ દર્દીનો જીવ જઈ રહ્યો હતો અને બીજી તરફ 108 નો સ્ટાફ નિયમ બતાવી રહ્યો હતો. લાચારીની પરાકાષ્ઠા એ હતી કે નજર સામે જ 108 એમ્બ્યુલન્સ ઉભી હોવા છતાં પરિવારજનો પોતાના દીકરાને તેમાં સુવડાવીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ શકતા ન હોતા. હકીકતમાં ડોક્ટર હાજર ના હોય તો એમ્બ્યુલન્સ આઉટ ના કરી શકે પરંતુ અહીં ડોક્ટર હાજર હોવાથી અકસ્માતના દર્દીને સિવિલમાં એડમિટ કરી દેવાયો હતો. એટલે 108 કર્મચારીઓની ફરજ પૂર્ણ થઇ ગણાય.

બીજી તરફ કંટ્રોલરૂમમાં  7 કલાક અને 10 મિનિટે ફોન કરવામાં આવ્યો તે એમ્બ્યુલન્સ 20 મિનિટ બાદ એટલે કે સાડા સાતે કલોલની સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી અને આખરે દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માની લીધું કે 108 એમ્બ્યુલન્સને ઘણી વખત ખોટા ફોન આવતા હશે તેના માટે દંડની જોગવાઈ છે એનો અર્થ એવો નથી કે જ્યારે હકીકતમાં જ 108 એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે ફોન કરનાર પાસેથી તમામ માહિતી જાણવી. માનવતાને દૃષ્ટિએ કોઈનો જીવ જતો હોય અને સામે 108 એમ્બ્યુલન્સ ઉભી હોય તો નિયમોને સાઈડમાં મૂકીને માણસનો કીમતી જીવ બચાવવાને પ્રાથમિકતા આપવી જોઈએ.

કલોલના પૂર્વ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ મુકો 

કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા બાબા સાહેબ આંબેડકર સંકુલમાં કાયમી ધોરણે એક 108 એમ્બ્યુલન્સ રાખવામાં આવે તેવી રજૂઆત થઈ છે. આ સંકુલમાં 108 એમ્બ્યુલન્સ ઊભી રહી શકે તેવી પૂરતી જગ્યા છે અને પૂર્વ વિસ્તારના કોઈપણ ખૂણે આકસ્મિક ઘટના બને તો ઇમર્જન્સીમાં ઝડપથી પહોંચી શકાય તે હેતુથી આગામી સમયમાં અહીં જો 108 એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવે તો હજારો લોકોને મોટો ફાયદો થઈ શકે છે.

કલોલ સમાચાર