રમીલાબેન : જેમની આખી જિંદગી ગુજરી બજારમાં ગુજરી
BY પ્રશાંત લેઉવા
અમદાવાદમાં ભરાતું ગુજરી બજાર ફક્ત એક બજાર નહીં પણ માણસોની જીવતી જાગતી વાર્તાઓનો ખજાનો છે. જેમાં બાળપણ,યુવાની,ઘડપણ,સંઘર્ષ,પ્રે મ,લાચારી,મહેનતનો સમન્વય છે. વાત છે ગુજરી બજારમાં પોતાની જિંદગીનું આયખું વિતાવી દેનાર રમીલા બેનની.
એંશી વર્ષના રમીલા બેન આજે પણ દર રવિવારે વહેલી સવારે ગુજરી બજારમાં પોતાનો ભંગારનો સામાન વેચવા આવે છે. તેમની પાસે મોબાઈલના જુના કવર,સિગરેટ લાઇટર,જૂની ઘડિયાળો સહીતની વસ્તુઓ હોય છે. પતિ અને પુત્રના અવસાન બાદ ઘરની તમામ જવાબદારી રમીલા બેન પર આવી પડતી હતી પરંતુ તેમણે સંઘર્ષ કરીને પોતાની જાતને ટકાવી રાખી. કેન્સરને કારણે પુત્રને ગુમાવ્યાનું યાદ કરતા જ એક ઉદાસી પણ જોવા મળે છે.
આશરે દસ વર્ષની ઉંમરથી રમીલાબેન તેમના માતા પિતા સાથે ગુજરી બજારમાં સામાન વેચવા આવતા હતા જે આજે પણ 80 વર્ષ સુધી ચાલુ છે. છેલ્લા 70 વર્ષથી તેઓ આ ગુજરી બજાર સાથે લાગણીથી જોડાયેલ છે અને વેપાર કરે છે. નાના હતા ત્યારે તેઓએ કાગળ વીણવા જતા ત્યારબાદ તેને દુકાને વેચ્યા બાદ જે પૈસા મળતા તેમાં ચા પાણીનો ખર્ચ નીકળી જતો હતો.
ગુજરી બજાર વિશે વાત કરતા તેઓ કહે છે કે હવે ઘણું બદલાઈ ગયું છે,મોંઘવારીને કારણે ધંધો ઘણો ઘટી ગયો છે. અગાઉ 10-11 વાગ્યે બધો સામાન વેચાઈ જતો હતો અને વધારે વકરો થતો હતો. પણ હવે તે સ્થિતિ રહી નથી. બપોરના એક-બે વાગ્યા સુધી બેસવું પડે છે તેમજ માંડ 500-600 રૂપિયાનો માલ સામાન વેચાય છે. રવિવાર સિવાય રમીલા બેન લોકોનું ઘરકામ કરીને પાંચ હજાર જેટલું કમાઈ પોતાનું જીવન નિર્વાહ કરે છે. જીવીશું ત્યાં સુધી ગુજરી બજારમાં સામાન વેચવા આવવાનું કહેતા રમીલા બેનની દ્રઢતા સમાજને એક સંદેશો આપી જાય છે.
ગમે તો શેર અને કમેન્ટ જરૂર કરશો