મીડિયા અને સામાજિક રજૂઆતની અસર,કલોલ પૂર્વમાં 108 એમ્બ્યુલન્સ મુકાઈ
કલોલ પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી 108 એમ્બ્યુલન્સ સેવાની માંગ સતત મીડિયા અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહી હતી. આ માંગને આખરે સફળતા મળી છે અને હવે આ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા આ સેવા ખુલ્લી મુકાઈ હતી.

તાજેતરમાં કલોલ પૂર્વની એક સોસાયટીમાં એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર 108 એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન થતાં સ્થિતિ ગંભીર બની હતી. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક આગેવાનોમાં રોષ ફેલાવ્યો હતો. સામાજિક આગેવાન નિલેશ આચાર્યએ આ મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી અને 108 એમ્બ્યુલન્સની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બાદ રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ જૂથ દ્વારા પણ રજુઆત કરાઈ હતી.
સ્થાનિક નાગરિકોની સતત રજૂઆત અને મીડિયાના દબાણને પગલે, તંત્રએ આખરે આ માંગને સ્વીકારી છે. હવે કલોલ પૂર્વમાં 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે, કારણ કે આ સેવા કટોકટીના સમયે જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નિલેશ આચાર્યે જણાવ્યું, “આ નિર્ણયથી અમારા વિસ્તારના લોકોને મોટી રાહત મળશે. મીડિયા અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોને કારણે આ સફળતા મળી છે.” આ પગલું કલોલ પૂર્વના રહેવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.