વિધાનસભા ચૂંટણીની સાંજે સુદર્શન ચોકડી પાસે થયેલ મારામારી કેસમાં બોરીસણાના 16 યુવકો નિર્દોષ જાહેર
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી દરમિયાન કલોલમાં આવેલ સુદર્શન ચોકડી પાસે રહેલા પ્રયાગ એવન્યુ ફ્લેટ નીચે મારામારીની ઘટના બની હતી. જેમાં કુલ 16 યુવકોને ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. જેનો કલોલ કોર્ટમાં કેસ ચાલી જતા તમામ 16 યુવકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

ઘટનાની વિગતો અનુસાર ગોપાલ નગરમાં રહેતા જૈમીન ભાઈ પ્રહલાદભાઈ પટેલ પ્રયાગ એવન્યુ ફ્લેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની ઉપર ટોળાંએ હુમલો કર્યો હતો તેમજ ત્યાં રહેલ એક હેર સલૂનમાં પણ હુમલો કર્યો હતો. જેમાં 16 યુવકોના આરોપી તરીકે નામ લખાવવામાં આવ્યા હતા.
આ ઘટના ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સાંજે બની હતી જેને પગલે ચૂંટણી દરમિયાન લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાના ભાગરૂપે આ તમામ યુવકો આવ્યા હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટના બની તે દરમિયાન ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાને રાજકીય રંગ આપવાનો પણ ઘણો પ્રયત્ન થયો હતો અને ત્યાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ ઉશ્કેરણી કરવામાં આવી હતી. આ બનાવ પાછળ કોંગ્રેસનો હાથ હોવાની શહેરભરમાં અફવા ફેલાવવામાં આવી હતી. જોકે કોર્ટમાં કેસ ચાલી જતા તમામ આરોપો બેબુનિયાદ સાબિત થયા હતા.
આ કેસના ફરિયાદીએ ઉલટ તપાસમાં જણાવ્યું હતું કે ” ફરિયાદની વિગતો મેં લખાવેલ ન હતી તેમજ હાલના કોઈપણ આરોપીએ બનાવવામાં મને માર મારેલ નહોતો. આ તમામ આરોપીઓને હું પ્રથમ વખત જ કોર્ટમાં જોવું છું. મેં આપેલા વર્ણનના આધારે આરોપીઓની ઓળખ પરેડ ગોઠવાઈ હતી પરંતુ આજે કોર્ટમાં હાજર છે તેમનો કોઈ પણ આરોપી ઓળખ પરેડમાં હાજર નહોતો.આ ઉપરાંત અન્ય સાક્ષીઓ અને ફરિયાદીની વિગતે પૂછપરછ કરતા બોરીસણાના યુવકોએ નિર્દોષ હોવાનું સાબિત થયું હતું.