ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કલોલને અન્યાય મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાપીટ બોલાઈ
ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચકમક થઇ હતી. કલોલને વિકાસ કાર્યોમાં અન્યાય થવા મુદ્દે કોંગ્રેસે ભાજપને બરાબરની ઘેરી હતી તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ વિકાસ સાંખી શકતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. અમિત શાહના સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં આવતા કલોલને અન્યાય થતો હોવાનું વિપક્ષ નેતાએ જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ બદલાની નીતિ અખત્યાર કરી રહી છે અને કલોલને અન્યાય કરી રહી છે. જિલ્લા પંચાયતની મોટાભાગની ગ્રાન્ટ એકાદ બે ગામોમાં જ વાપરવામાં આવી રહી છે. કોંગ્રેસના સભ્યોની ગ્રાન્ટના કામો મંજુર કરવામાં આવતા નથી. મહત્વની બાબત તે છે કે જિલ્લા પંચાયતમાં કલોલ તાલુકાની 6 બેઠકો છે જેમાં ચાર કોંગ્રેસ અને બે ભાજપની છે. જિલ્લા પંચાયતની કોઈપણ ગ્રાન્ટનો કલોલમાં ઉપયોગ કરવામાં આવતો નથી.
કલોલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે ? વાંચો રસપ્રદ વિશ્લેષણ
જિલ્લા પંચાયતની બેઠકમાં થયેલ બબાલને પગલે હોબાળો મચી ગયો હતો. સામે પક્ષે ભાજપે પણ કલોલ તાલુકા પંચાયત દ્વારા કામો થતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે હવે રાજકીય પક્ષો મતદારોને લલચાવવાની તૈયારી કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
