કલોલ હાઇવે પર વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત
કલોલ હાઇવે પર વાહનોની વચ્ચે રખડતા ઢોર ના આવે તે માટે રેલિંગ નાંખવા ટોલ ટેક્સ કંપનીને અનેક રજુઆતો કરવામાં આવી છે તેમ છતાં ધ્યાન આપી રહી નથી. રેલિંગના અભાવે પશુઓ અને વાહન ચાલકો વચ્ચે અકસ્માત થવાની શકયતા વધી ગઈ છે.થોડાક મહિના અગાઉ પણ વાહનની ટકકરે ગાય ઇજાગ્રસ્ત થઈ હતી. મંગળવારે સવારે ગાયત્રી મંદિર સામે આવેલ હાઇવે પર પુરપાટ વેગે આવતા વાહને એક ગાયને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગાય ગંભીર રીતે ઘાયલ થતા જીવદયા ટ્રસ્ટ દ્વારા સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
કલોલની વિવિધ સંસ્થાઓ દ્વારા અવાર નવાર ગુજરાત રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને રેલિંગ નાખવાના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કંપની દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવતો નથી. વધુમાં સઇજ,છત્રાલ,શેરથા હાઇવે ઉપર પર અસંખ્ય ગાયો હોય છે. આ તમામ ઢોર ટોલ કંપનીની નજરમાં હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની વાહનચાલકોએ ફરિયાદ કરી છે.


