તકતીઓની સાફ-સફાઈ કરવામા તંત્રનું ઢીલું વલણ જોવા મળી રહ્યું છે……
કલોલમાં મુખ્ય ચાર રસ્તા પડતા હોય તેની વચ્ચે સુંદરતા માં વધારો કરવા કેટલાક સર્કલ પર તકતીઓ બનાવવામાં આવી છે. જે કલોલની શોભામાં વધારો કરે છે. કલોલ ની શોભામાં વધારો કરતી આ તક્તિઓની યોગ્ય તકેદારી ન રાખવાને કારણે અત્યારે તકતીઓ ધૂળ ખાઈ રહી હોય તેમ જોવા મળી રહી છે.
કલોલ ના મુખ્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલી આ પ્રકારની તકતીઓ સંપૂર્ણપણે ધૂળમાં ઘરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે. કલોલ ના હાર્દ સમા શારદા સર્કલ પાસે બનાવવામાં આવેલ તકતી પર છેલ્લા કેટલાય સમયથી યોગ્ય જાળવણી તેમજ સાફ-સફાઇના અભાવે આ તકતીઓ પોતાનો નૂર પણ ખોઈ બેઠી છે. તેમજ અન્ય એક તક્તીની વાત કરવામાં આવે તો ગાયોના ટેકરા પાસે ઉભી કરવામાં આવેલી તકતી પણ યોગ્ય જાળવણીના અભાવે ધુળમાં ઘરકાવ થઈ ચૂકેલી જોવા મળી રહી છે.
સરકાર દ્વારા મોટો ખર્ચ કરીને કલોલની શોભા વધારવા માટે ચાર રસ્તા પર આ પ્રકારની તકતીઓ બનાવવામાં આવતી હોય છે. પરંતુ એક વખત બનાવીને તેની યોગ્ય જાળવણી તેમજ સાફ-સફાઈ ના અભાવે આ પ્રકારની તકતીઓ કલોલની શોભા વધારવાની જગ્યાએ કલોલ ની સુંદરતામાં ઘટાડો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. નૂર ખોઈ બેઠેલી આ તકતીઓ કલોલની જાહેર જનતાની નજરે ચડી રહી છે, પરંતુ તંત્રને આ તકતીઓ પર રહેલ ધૂળ દેખાતી નથી.
વધુમાં તકતીઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલી રેલિંગ પણ તૂટેલી અવસ્થામાં તેમજ તકતીના ઓટલા પણ તૂટેલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે. યોગ્ય જાળવણીના અભાવે કલોલની તકતીઓની દુર્દશા ફલિત થઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી સાફ-સફાઈ ન કરવામાં આવેલી આ તકતીઓ પર કૂચડો ફેરવીને તંત્ર સાફ કરાવે તેવી માંગ ઉઠી રહી છે.