કલોલના જયોતિશ્વર મહાદેવ મંદિર પાસે મૂકવામાં આવેલ ડસ્ટબિનના ડબ્બા જ ગાયબ

કલોલના જયોતિશ્વર મહાદેવ મંદિર પાસે મૂકવામાં આવેલ ડસ્ટબિનના ડબ્બા જ ગાયબ

Share On

ડસ્ટબીન ભરાવવાનું સ્ટેન્ડ યથાસ્થીતીમાં છે, પરંતુ ડબ્બા ગાયબ થયા છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન!!

કલોલ શહેરમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી નગરપાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે. ડસ્ટબીન મૂક્યા બાદ તેની યોગ્ય જાળવણી તેમજ તકેદારીના અભાવથી અચાનક જ કલોલના અમુક વિસ્તારમાં મૂકવામાં આવેલ ડસ્ટબિન ગાયબ થઈ ગયા છે.

કલોલ નગરપાલિકા એક યા બીજા કારણે હંમેશા વિવાદમાં સપડાતી રહેતી હોય છે. વિવાદો સાથે અત્યંત જૂનો સંબંધ ધરાવતી કલોલ નગરપાલિકાને શહેરના વિવિધ વિસ્તારો પૈકીના અમુક વિસ્તારમાં મુકાયેલ ડસ્ટબિન ગાયબ થઈ ગયા હોવાની માહિતી જ નથી. નગરપાલિકા દ્વારા મોટો ખર્ચ કરીને શહેરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવા માટે ઠેર ઠેર સુકો તેમજ ભીનો કચરો અલગ કરવા માટે ડસ્ટબીન સ્ટેન્ડમાં ભરાવીને મૂકવામાં આવ્યા છે. જેમાં કલોલની સ્થાનિક પ્રજા દ્વારા સુકો તેમજ ભીનો કચરો ઠાલવવામાં આવતો હોય છે. અને આ કચરાને ગાર્બેજ વાન દ્વારા કલેક્ટ કરી ડમ્પીંગ સાઈડ પર ઠાલવવામાં આવતો હોય છે.

જ્યારે આ કચરાને પ્રાઇમરી અવસ્થામાં કલેક્ટ કરવા માટે જયોતિશ્વર મહાદેવની પાછળના ભાગમાં મૂકવામાં આવેલ ડસ્ટબિન અચાનક જ ગાયબ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ડસ્ટબિન ગાયબ થઈ ગયેલ હોવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી નગરપાલિકાને ગાયબ થયેલ ડસ્ટબીન વિશેની કોઈપણ માહિતી નથી.જેથી નગરપાલિકામાં ‘અંધેરી નગરી ને ગંડુ રાજા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ જનતાને લાગી રહ્યું છે.

વધુમાં ડસ્ટબીનમાં ખાધ્ય કચરો ઠલવાતો હોવાથી ઢોરો કચરાપેટી મૂકેલ વિસ્તારમાં અડિંગો જમાવીને બેસેલા જોવા મળતા હોય છે. તેમજ ઢોરો દ્વારા આ કચરાને આસપાસમાં ફેલવવામાં આવતો હોય છે, જેથી શહેરમાં સફાઈને બદલે ગંદકીનું ન્યુસન્સ ફેલાયેલું જોવા મળતું હોય છે.

કલોલ સમાચાર