કલોલ : કલોલ આરસોડીયા આઇટીઆઈ ખાતે RTO સર્વરમાં વારંવાર થતા ધાંધિયાથી અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. સરકારે લાયસન્સ સહીતની પ્રક્રિયાઓ માટે આરટીઓના કામને ઓનલાઇન કરી દીધું છે. કલોલ આઇટીઆઈ ખાતે છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન રહેતા લાયસન્સ કઢાવવા આવેલ અરજદારોને ધરમધક્કો પડી રહ્યો છે.

સરકારે હવે તમામ ઔધોગિક તાલીમ કેન્દ્રોમાં લાયસન્સ કાઢી શકાય તેવી સુવિધા ઉભી કરી છે. જેના ભાગ રૂપે કલોલ આઇટીઆઈ ખાતે હાલ લાયસન્સ કાઢી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરૂપે શહેર તેમજ આજુબાજુના ગામડાઓના ઘણા અરજદારો અહીં આવતા હોય છે પરંતુ સર્વરના ઠેકાણા ના હોવાને કારણે પરત જવાનો વારો આવે છે.
અહીં અરજદારો લર્નર લાયસન્સ કઢાવવા માટે ઓનલાઇન ટેસ્ટ આપવા આવતા હોય છે. પોતાનો કિંમતી સમય અને નાણાં બગાડીને આવતા લોકોએ સર્વર ડાઉન રહેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. અરજદારોએ ઝડપથી સર્વર ચાલુ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે. જોકે આરટીઓનું સર્વર ક્યારે શરુ થશે તેનો કોઈ સંતોષકારક જવાબ તંત્ર પાસે પણ નથી.
સમાચાર તેમજ ઓનલાઇન જાહેરાત આપવા અમારા ફેસબુક મેસેન્જરમાં સંપર્ક કરો, અહીં ક્લિક કરી ફેસબુક પેજ લાઈક કરો