ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં રેડિયો પર ગોષ્ઠિ યોજાઈ
ગુજરાત યુનિવર્સિટી સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશન, જર્નાલિઝમ વિભાગમાં અમદાવાદના ખ્યાતનામ રેડિયો જોકીઝનું ‘રેડિયો રૂમ ટુ કલાસરૂમ’ વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેડિયો માટે ક્રિએટિવ કોન્ટેન્ટ તૈયાર કરી ઓડિયન્સ સુધી પહોંચાડવા સુધીનું માર્ગદર્શન ઉપસ્થિત રેડિયો ક્મીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ધ્વનિત ઠાકર, નૈષધ પુરાણી, આરજે નિશાંત, આરજે પૂજા, આરજે હાર્દિક, આરજે કાવ્યા અને આરજે દેવાંગ ઉપસ્થિત રહ્યા હતા.
સેશનમાં ધ્વનિત ઠાકર દ્બારા ઉપસ્થિત આરજે ને તેમના કાર્ય વિશે અને રેડિયોની કારકિર્દી વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ પણ રેડિયોને લગતા સવાલો પૂછી જવાબ મેળવ્યા હતા. જેમાં આરજે ધ્વનિત દ્વારા ભારતમાં રેડિયોના ઇતિહાસની વાત કરી હતી. તથા રેડિયો આજે પ્રાસંગિક છે કે નહી, રેડિયોના મહત્વ વિશેની માહિતી આપી હતી. નૈષધ પુરાણી એ રેડિયો અને પોડકાસ્ટ વચ્ચેના તફાવત અંગે ચર્ચા કરી હતી. આરજે નિશાંત એ રેડિયોમાં રમુજ ક્યાંથી અને કેવી રીતે પ્રદર્શિત કરી શકાય તેની સમજણ આપી હતી. તેમજ આરજે પૂજા એ શો ‘વાચકમ’ વિશે પોતાના અનુભવો રજુ કર્યા હતા.
વધુમાં આરજે કાવ્યા, આરજે હાર્દિક અને આરજે દેવાંગે આધુનિક ટેકનોલોજીના સંદર્ભમાં રેડિયોની બદલાતી ભૂમિકા વિશે વાત કરી હતી. જેમાં આરજે દેવાંગે રોમાંચક વાત કરી કે ટેકનોલોજીના બદલાવની સાથે રેડિયો કઈ રીતે બદલાયો છે. અંતે તમામ આર જે એ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. ઉપરાંત વિભાગના વડા ડો. સોનલ પંડ્યા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, આભારવિધિ ડો. ભૂમિકા બારોટે કરી હતી અને આ પ્રસંગે બોટની વિભાગના વડા અર્ચના માંકડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડો. કોમલ શાહે પણ હાજરી આપી હતી.