અમિત શાહે કલોલના પાનસરમાં તળાવનું લોકાર્પણ કર્યું
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામે વાવ તળાવના રૂ.૩.૫૦ કરોડથી વધુ નવીનીકરણના કામનું લોકાર્પણ કર્યું હતું.
મતવિસ્તારમાં રૂ. ૩૫૮.૯૫ લાખના પેવર બ્લોક, પાણી અને ગટરલાઇન, સી.સી રોડ, સરંક્ષણ દીવાલ, સ્મશાનના કામો તેમજ કપિલેશ્વર લેકના રીડેવલપમેન્ટ સહિત કુલ ૪૫ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
અમિત શાહે બ્યુટીફિકેશન કરાયેલા તળાવ અને ઉદ્યાનનું નિરીક્ષણ કર્યું હતું તેમજ શ્રી બાબા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કર્યા હતા અને તેમના સ્વાગત માટે પધારેલ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
અમિત શાહે જણાવ્યું હતું કે, આપના આશીર્વાદથી સંસદસભ્ય તરીકે ચુંટાયા બાદ છેલ્લા પાંચ વર્ષમાં પાનસર ગામે રૂ.૧૪ કરોડ ૫૮ લાખના ખર્ચે ડ્રેનેજ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણી, ગાર્ડન, તળાવ, વરસાદી પાણી સંગ્રહ, સ્મશાન, ઘન કચરાના નિકાલ, શાળા અને આંગણવાડીના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો સહિત ૮૬ વિકાસના કાર્યો પૂર્ણ થયા છે.