જાસપુર સુએઝ પ્લાન્ટનું પાણી રોડ-ખેતરોમાં ફરી વળતા રોષ
By પ્રશાંત લેઉવા
કલોલ
કલોલ : કલોલ તાલુકાના જાસપુર ગામમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાંથી અવારનવાર પાણી લીકેજ થઈને બહાર રોડ રસ્તા પર ફેલાતું હોય છે. આ મામલે તંત્રમાં અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
ગ્રામજનો દ્વારા ગુડામાં આ મામલે રજૂઆત કરવામાં આવે છે પરંતુ લીકેજ બંધ કરવામાં આવતું નથી. રોડ રસ્તા પર પાણી ફરી વળતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બહાર લીકેજ થતા ગંદા પાણીમાંથી અસહ્ય વાસ આવતી હોવાથી રોગચાળો ફેલાવવાનો ખતરો પણ રહેલો છે.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આસપાસ આવેલ રહેણાંક વિસ્તાર તેમજ કંપનીઓમાં ઘૂસી જતું હોય છે. આ પ્લાન્ટમાં ગાંધીનગર કુડાસણ જેવા વિસ્તારોમાંથી મોટી માત્રામાં પાણી આવતું હોય છે. જાસપુર ગામમાં ખેડૂતોના ખેતરોમાં આ પાણી ઘુસી જતા ઉભા પાક નિષ્ફળ જવાની ભીતિ રહેલી છે.