કલોલ : ભાજપના કાર્યકરે અમિત શાહને ઉદ્દેશીને લખ્યું, તમારા નામે જીતેલા લોકો સત્તાના નશામાં ચકચૂર થઈ ગયા
કલોલ નગરપાલિકાનું શાસન કેટલી હદે કથળી ગયું છે તેનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. કલોલ નગરપાલિકામાં પ્રજાના કામ તો ઠીક પરંતુ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોના પણ કામ થતાં નથી. કલોલ ભાજપના કાર્યકર એવા દેવેન્દ્રભાઈ બારોટે પોતાની વ્યથા સોશિયલ મીડિયા પર ઠાલવી છે. તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.દેવેન્દ્ર ભાઈએ અમિત શાહને ઉદ્દેશીને લખ્યું છે કે તમારા નામે જીતેલા લોકો સત્તાના નશામાં ચકચુર થઈ ગયા છે
દેવેન્દ્ર બારોટની ફેસબુક પોસ્ટ અક્ષરસઃ અહીં મૂકી છે.
માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબને ખુબ જ દુઃખ સાથે જણાવવાનું કે, અમે તમારા કામો અને તમારા વિચારોથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ. કોઈ પણ પ્રકારનું ઇલેક્શન હોય અમે કાર્યકરો અને પ્રજા પણ પોતાનો ગમો – અણગમો બાજુમાં મૂકીને તમારા નામે અને તમને મજબુત કરવા ભાજપને વોટ આપે છે. પરંતુ કલોલ નગરપાલિકાનાં કાઉન્સિલર હોય કે અધિકારી કોઈનેય અમારા પ્રશ્નોના નિરાકરણ માં રસ નથી. ચુંટાયેલા પ્રતનિધિઓ તો એમ જ સમજે છે કે એ લોકો એમના પોતાના દમ પર જ જીત્યા છે.
પ્રજા અને કાર્યકરો તો જખ મારે છે. આ સ્થિતિ લાંબો સમય ચાલશે નહીં.કલોલમાં ભગવતીનગર સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી ને હાઇવે સાથે જોડતો રોડ તોડીને નવો બનાવવા માટે 01 મહિનાથી પીસીસી કરીને મૂકી રાખ્યો છે. સોસાયટીમાં ઘૂંટણનું ઓપરેશન કરેલા બે સિનિયર સિટીઝન ને દરરોજ કસરત કરવાની હોઈ ફિઝિયોમાં જવાનું હોય છે. આ ઉબડ ખાબડ રસ્તા પર આવતા જતા ખુબ જ હેરાન થઈ રહ્યા છે. નગરપાલિકામાં રજૂઆત કરતાં નગરપાલિકાનાં અધિકારીઓ અને પ્રતિનિધિઓ એક મહિનાથી ગોળ ગોળ ફેરવે છે. અને હવે તો ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા છે.
માનનીય મોદીજી અને અમિતભાઈ શાહ સાહેબને દુઃખ સાથે જણાવીએ છીએ કે તમારા નામે જીતેલા લોકો સત્તાના નશામાં ચકચુર થઈ ગયા છે. લોક વાયકા તો એવી પણ છે કે, પ્રતિનિધિઓ અને અધિકારીઓ કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ કરીને પ્રજાના પૈસે તાગડધિન્ના કરે છે.
માનનીય અમિતભાઈ સાહેબને ખાસ જણાવવાનું કે કર્મચારીઓ અને પ્રતિનિધિઓ પાસે આ વિશે જવાબ માંગવામાં આવે.
ભારતીય જનતા પાર્ટીનો એક વ્યથિત સામાન્ય કાર્યકર
દેવેન્દ્ર બારોટ