આનંદો ! કલોલમાં ઓવરબ્રિજ માટે નડતરરૂપ દબાણ દૂર કરાયું
કલોલ : કલોલ પૂર્વના નાગરિકોને પડી રહેલી હાલાકીનો અંત નજીકના જ સમયમાં આવી શકે છે. પાલિકા તંત્ર દ્વારા આજે લવલી ચોક ખાતે દુકાનોનું નડતરરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુકાનોનું દબાણ દૂર થયા બાદ બ્રિજની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
કલોલમાં આવેલ બીવીએમ ફાટક પર અસહ્ય ટ્રાફિક જામ તેમજ કલાકો સુધી બંધ રહેવાને કારણે પૂર્વ વિસ્તારના નાગરિકો ત્રાસી ગયા હતા. જેને લઈને ત્યાં ઓવરબ્રિજ બનાવવા વર્ષોથી માંગ થઇ રહી હતી.
કલોલમાં રેલવે ફાટક પર તૈયાર થઇ રહેલ પુલની લંબાઈ 741 મીટર છે. ઓવરબ્રિજના પોર્શનની લંબાઈ 45 મીટર તેમજ ફૂટપાથ બનાવવામાં આવશે. ત્રણ આંગળી સર્કલથી શરુ થઇ માધુપુરા રોડ નજીક મહાકાળી માતાના મંદિર પાસે બ્રિજ ઉતારવાનું આયોજન કરાયું છે. બ્રિજ બની જતા લોકોના કિંમતી ઇંધણ અને ટાઈમનો બચાવ થશે.