આખા કલોલમાં ફાયર સેફટીનો ઠેકો લેનાર ફાયર કર્મચારી ક્યારે જાગશે ?
કલોલ નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોવા છતાં બદલવામાં ન આવતા નથી. જેને કારણે અરજદારો અને કર્મચારીઓની સલામતી પર જોખમ ઊભું થયું છે. અહીં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાનું કામ લઈને આવતા હોય છે.
અહીં ફાયર સેફ્ટીના સાધનો લગાડેલા છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. નગરપાલિકામાં રહેલા ફાયર ગેસના સિલિન્ડરો છેલ્લા ઘણા સમયથી બદલવામાં ન આવતા રોષ જોવા મળ્યો છે.સિલિન્ડર એક્સપાયર થઈ ગયા હોવા છતાં બદલવામાં આવ્યા ન હોવાની વિગત પ્રકાશમાં આવી છે. જુના ફાયર એક્સ્ટીન્ગર બદલાવામાં આવ્યા નથી. સમગ્ર કલોલનો વહીવટ નગરપાલિકામાંથી થતો હોય છે પણ આગ સામે તે સલામત નથી. આ સંજોગોમાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચા જામી છે.

સમગ્ર કલોલનો વહીવટ નગરપાલિકાથી થાય છે. નગરપાલિકાના ફાયર સેફટીના કર્મચારીઓ સમગ્ર શહેરમાં ફાયર એનઓસી અને એક્સ્ટિંગ્યુસર લગાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ અર્થે નીકળતા હોય છે પણ પાલિકામાં આ સાધનોની શું સ્થિતિ છે તેનું ધ્યાન રાખતા નથી. ત્યારે કોઈ આગજનીનો બનાવ બને ત્યારે એક્સપાયર પામી નકામા થઈ ગયેલ ફાયર સેફ્ટીના સાધનો શું કામમાં આવશે તેવું પણ લોકો પૂછી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમની ઉચ્ચ કક્ષાએથી નોંધ લેવાય અને જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવું સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી બન્યું છે.
