કલોલ પ્રાંત કચેરીમાંથી હુકમની કોપી મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ
કલોલ : કલોલની પ્રાંત કચેરી ની ફરિયાદો દિવસે અને દિવસે વધતી જાય છે.પ્રાંત અધિકારીની કચેરીના કામકાજથી અરજદારોમાં રોષ ફેલાયો છે. કલોલ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા હુકમો કરવામાં પણ અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. અરજદારોના કેસ અંગે સુનાવણી થઈ જાય ત્યારબાદ તેમને હુકમની કોપી મેળવવામાં આંખે પાણી આવી રહ્યું છે. પ્રાંત અધિકારી કચેરીની ગોકળ ગાયની ગતિથી ચાલતી કામગીરીને કારણે અરજદારો રોષે ભરાયા છે.
પ્રાંત અધિકારીની કચેરીમાં કેસ દાખલ થાય એટલે મુદતો ઉપર મુદત આપવામાં આવે છે. આ કેસ ઘણી વખત વર્ષો સુધી લંબાઇ જતો હોય છે પરંતુ પ્રમાણમાં સરળ એવા કેસોના હુકમ કરવામાં પણ પ્રાંત અધિકારીની કચેરી આળસ દાખવી રહી છે. કલોલ મામલતદાર કચેરીમાં વૃક્ષ છેદનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનવણી દરમિયાન બે મામલતદારોની બદલી થઈ ગઈ હતી. ત્યારબાદ અપીલ કરતા કેસ પ્રાંત અધિકારીની કચેરીમાં પહોંચ્યો હતો. આ પ્રાંત અધિકારીએ ગોકળ ગાયની ગતિથી કેસ ચલાવ્યો હતો ત્યારબાદ તેમની પણ બદલી થઈ જતા હવે નવા પ્રાંત અધિકારી આવ્યા છે પરંતુ તેઓ પણ આ ધીમી ગતિની સિસ્ટમનો ભાગ હોય તેમ હુકમ કરી રહ્યા નથી. જેથી હુકમ મેળવવા માટે અરજદારોએ ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે.
હુકમની કોપી વગર અપીલ કઈ રીતે કરવી
કલોલ પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય કેસોમાં પણ હુકમની કોપી મેળવવામાં લોકોને આંખે પાણી આવી જાય છે ત્યારે મોટા કેસોમાં તો કેવી સ્થિતિ ઉદ્ભવતી હશે તે વિચારી પણ શકાતું નથી. અરજદારોને હુકમની કોપી મળતા તેઓને આગળ અપીલ કરવી હોય તો પણ કરી શકતા નથી જેને કારણે અરજદારની નુકસાન જતું હોય છે. અરજદારોને આગળ અપીલ કરવી હોય તો હુકમની કોપી જરૂરી થઇ પડે છે. પ્રાંત કચેરી આ મામલે ઝડપથી કામગીરી કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.