કલોલ : સરદાર બાગમાં રહેલી જર્જરીત પાણીની ટાંકીની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે

કલોલ : સરદાર બાગમાં રહેલી જર્જરીત પાણીની ટાંકીની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે

Share On

કલોલ : સરદાર બાગમાં રહેલી જર્જરીત પાણીની ટાંકીની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે

 

કલોલના સરદાર બાગમાં આવેલ વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં હોવાથી લોકો પર જોખમ ઊભું થયું છે. જાહેર માર્ગની બિલકુલ પાસે જ આવેલ આ ટાંકીના સળિયા પણ દેખાવા લાગ્યા છે જેને કારણે અકસ્માતની શક્યતા રહેલી છે.

 

વોર્ડ આઠના ચારેય કાઉન્સિલરોએ ઝડપથી ઓવરહેડ ટાંકીને ઉતારી તેને સ્થાને નવી પાણીની ટાંકી બનાવવામાં આવે તેવી માંગ કરી છે. નગરસેવકોએ જણાવ્યું હતું કે રિપેરિંગનું ટેન્ડર રદ કરીને ટાંકી નવી બનાવવાનું ટેન્ડર કરવામાં આવે.

 

કલોલ નગરપાલિકાએ પાણીની ટાંકીનો રીપેરીંગ માટે 12 લાખનું ટેન્ડર મંજૂર કર્યું છે પરંતુ ચારેય કાઉન્સિલરોએ ચીફ ઓફિસરને ઉદ્દેશીને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે પાણીની ટાંકીનું રીપેરીંગ કરવાને બદલે નવી ટાંકી બનાવવામાં આવે.

કલોલ શહેરમાં આવેલ વોર્ડ નંબર 8ના સરદાર બાગમાં જૂની પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકીની પાસે જ બગીચામાં લોકો આવતા હોય છે, તેની બાજુમાં જ જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તાર આવેલો છે. અહીં દિવસ રાત હજારો લોકો પસાર થતા હોય છે. આ ટાંકી બિસ્માર થઈ જતા મોટી હોનારત સર્જાય તેવી શક્યતા છે. ઓવરહેડ ટાંકીના સળિયા દેખાવા લાગ્યા છે તેમજ સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે. આ સંજોગોમાં જો ટાંકી ઉતારવામાં નહીં આવે અને કોઈ દુર્ઘટના સર્જાય તો મોટું સંકટ ઉભું થાય તેમ છે.

વોર્ડ નંબર 8 ના કાઉન્સિલરોએ પાણીની ટાંકી જર્જરીત થઈને તૂટી પડશે તો તેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેમ જણાવ્યું હતું. આ સંજોગોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવીન ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરાય તે ઇચ્છનીય બન્યું છે.

કલોલ સમાચાર