કલોલમાં પ્રાંત અધિકારી – મામલતદારના નાક નીચે જ માર્ગો પર ગેરકાયદે વાહનો અડિંગો
પ્રશાંત લેઉવા । કલોલ
કલોલ : કલોલમાં આવેલ મામલતદાર અને પ્રાંત કચેરી આસપાસ જ વાહનોના ખડકલાથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કચેરીના કામ અર્થે આવતા અરજદારો મનફાવે તેમ પોતાના કાર અને બાઈક રોડ વચ્ચે જ મૂકી દેતા હોય છે. આ ઉપરાંત કચેરી સામે આવેલ શોપિંગ સેન્ટર પાસે પણ આડેધડ વાહન પાર્કિંગ કરી દેવામાં આવતા રસ્તો સાંકડો થઇ ગયો છે.
કલોલની મામલતદાર અને પ્રાંત કચેરીમાં દિવસ દરમિયાન હજારો લોકો વિવિધ કામ અર્થે આવતા હોય છે. કચેરીની સામે અને બાજુની તરફ મુખ્ય માર્ગ આવેલ છે. આ માર્ગ પર લોકો આડેધડ વાહન મૂકીને જતા રહે છે. જેને કારણે રસ્તો સાંકડો થઇ જતા ત્યાંથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા વચ્ચે જ વાહનોના ખડકલાથી ટ્રાફિક જામ થઈ જતો હોય છે. આ કચેરીમાં ઉચ્ચ અધિકારીઓની અવર જવર રહેતી હોવા છતાં તેમનું ધ્યાન આ સમસ્યા પર ગયું લાગતું નથી.
મામલતદાર કચેરીનો પોતાનો પાર્કિંગ પ્લોટ છે. અહીં પણ યોગ્ય રીતે વાહન પાર્ક કરવામાં આવ્યા નથી. કચેરી સામે આવેલ માર્ગ પર દેખાડા ખાતર બે હોમગાર્ડના જવાનો ટ્રાફિક સંચાલન માટે તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે થોડા દિવસ બાદ તે પણ ગાયબ થઇ ગયા છે. કલોલમાં પોલીસની જીપ ફરતી હોય છે પરંતુ તેમને મામલતદાર કચેરી સામે અસ્તવ્યસ્ત પાર્ક થયેલા વાહનો દેખાતા નથી. કચેરી પાસે જ કવિતા સર્કલ આવેલ છે. અહી ચારે તરફના વાહનો ભેગા થઇ હતા ટ્રાફિકજામ થઇ જતો હોય છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા મામલતદાર કચેરી પાસે આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકો વિરુદ્ધ પગલા ભરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે કલોલ શહેરના નવજીવન શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ડૉ.આંબેડકર રોડ,વેપારી જીન, ગુરુદ્વારા રોડ,ટાવર ચોક,મામલતદાર કચેરી સહીતના સ્થળો પર કરવામાં આવતા આડેધડ વાહન પાર્કિંગને કારણે રસ્તા સાંકડા પડ્યા છે, વાહન વ્યવહાર અવરોધાતા ટ્રાફિક જામ પણ થઇ જતો હોય છે.
કલોલમાં વાહન પાર્કિંગ – ટ્રાફિક મુદ્દે પ્રાંત અધિકારીએ આંખે પાટા બાંધ્યા
સમગ્ર કલોલ શહેર અને તાલુકાના વહીવટીય વડા પ્રાંત અધિકારી ગણાય છે. પ્રાંત અધિકારી દિવસમાં ચાર વખત અહીંથી નીકળે છે. તેમની કચેરી અને નજર સામે જ રોડ પર જ ખાનગી વાહનોનો ખડકલો થઇ જાય છે પરંતુ પ્રાંત અધિકારીશ્રીને આ દેખાતું નથી. પ્રાંતના નાક નીચે સરેઆમ કાયદા અને વ્યવસ્થાનો ઉલાળિયો થતો હોવા છતાં મૂકદર્શક બની ગયા છે. કલોલ નગરપાલિકા અને શહેર પોલીસ સ્ટેશન પાસે પ્રાંત અધિકારી આનો યોગ્ય ખુલાસો માંગીને પાર્કિંગની સમસ્યાનું સમાધાન કરશે કે કેમ તે તો સમય જ જણાવશે ત્યાં સુધી લોકોને તો હેરાનગતિ ભોગવવી જ પડશે.