કલોલ શહેર પોલીસને સીન સપાટામાં જ રસ, તાલુકા પોલીસની કામગીરી વખાણવાલાયક 

કલોલ શહેર પોલીસને સીન સપાટામાં જ રસ, તાલુકા પોલીસની કામગીરી વખાણવાલાયક 

Share On

કલોલ શહેર પોલીસને સીન સપાટામાં જ રસ

કલોલ :  સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા ગુનાઇત પ્રવુતિઓ ડામવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ દ્વારા પણ ગુનાઇત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓના દબાણ તોડી પાડ્યા છે. જોકે હજુ સુધી કલોલ શહેર પોલીસ સુઈ જ રહી હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે. કલોલ શહેર પોલીસ ગુનાઇત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહીને બદલે ચુપચાપ તમાશો જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.કલોલ તાલુકા પોલીસ દ્વારા  જામળામાં ગેરકાયદે કતલખાનું ચલાવનાર આરોપીના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું. કલોલ પોલીસે આગાઉ  જામળામાં દરોડો પાડીને ગેરકાયદેસર કતલખાનાનો પર્દાફાશ કર્યો હતો.આરોપી લાલાભાઈ કાળાભાઈ સેનમા અને તેના પુત્ર દ્વારા મકાનના નીચેના ભાગમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે પ્રથમ વખત બાપ-દીકરા સહિતની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓના મકાનનો વીજ પુરવઠો બંધ કરીને સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. તાલુકા પોલીસ દ્વારા ધાનજમાં પણ બુટલેગરનું દબાણ દૂર કરાયું હતું.

જોકે કલોલ શહેર પોલીસ કંઈ શીખવા માંગતી નથી. કલોલમાં ઠેરઠેર દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. શહેરનું યુવાધન નશાના રવાડે ચડ્યું છે અને આડાપાટે જઈ રહ્યું છે. કલોલમાં નશાનો આ વેપાર પોલીસના નાક નીચે થઇ રહ્યો છે તેમ છતાં પગલાં ભરવામાં આવતા નથી.કલોલ શહેરમાં પણ ગુનાઇત ઇતિહાસ ધરાવતા અનેક વ્યક્તિઓ છે. પોલીસ દ્વારા આ તમામ લોકોને છાવરવામાં આવતા હોય તેવી લોકચર્ચા ઉઠી છે.
કલોલ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ પણ યોજાતી નથી. અગાઉના પીઆઈ વખતે નિયમિતરૂપે ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવતી હતી. જોકે હવે પોલીસ પોતાની  જવાબદારી ટ્રાફિક નિયમનની આવે છે તે પણ ભૂલી ગઈ હોય તેમ લાગે છે.  શહેરના માર્ગો પર થયેલ ટ્રાફિક જામમાં ઘણી વખત પોલીસની જીપ પણ ફસાઈ જતી હોય છે.વધુમાં પોલીસ જવાનોની અણઆવડતના કારણે વાહનોની લાંબી લાઈનો લાગે છે. એમાં ક્યારેક જલ્દી જવાની લ્હાયમાં વાહન ચાલકોમાં નાની-મોટી ચકમક તેમજ અકસ્માત સર્જાતા હોય છે. સ્ટેશન રોડ,ખૂની બંગલા, નવજીવન શોપિંગ સેન્ટર,ટાવર રોડ,ગાંધી રોડ,વેપારી જિન જેવા બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. વાહન પાર્કિંગની કોઈ સુવિધા ન હોવાથી રોડ વચ્ચે જ લોકો આડેધડ વાહન પાર્ક કરી ચાલ્યા જાય છે.

કલોલ સમાચાર