ગેજ પરિવર્તન દરમિયાન છત્રાલ, અણખોલ, કરણનગર અને દેઉસણા સ્ટેશનો બંધ, પ્રજાલક્ષી રેલ સેવાથી વંચિત
કલોલથી માત્ર 7 કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છત્રાલ ગામ ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિકસિત થયું છે, જેના કારણે કલોલ-કડી અને કલોલ-મહેસાણા હાઇવે વિસ્તાર ઉત્તર ગુજરાતના સૌથી મોટા ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી આવ્યો છે. જોકે, અહીં ચૌતરફ વિકાસ છતાં, સરકારે સવાસો વર્ષ જૂની ગાયકવાડ સરકારની પ્રજાલક્ષી રેલ સેવાને ગેજ પરિવર્તનના નામે છીનવી લઈને છત્રાલ, અણખોલ, કરણનગર અને દેઉસણા સ્ટેશનો બંધ કરી દીધા છે. આ નિર્ણયથી આ પંથકના હજારો કામદારો, વેપારીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જાણકાર સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે કલોલ-કડી-કટોસણ રોડ જંકશન-બહુચરાજી-રણુંજ જંકશનની 40 કિલોમીટરની મીટરગેજ રેલ લાઇન પર આવેલા છત્રાલ અને કરણનગર ફ્લેગ સ્ટેશનોને આવતી-જતી તમામ ટ્રેનોના સ્ટોપેજનો લાભ મળતો હતો, જ્યારે અણખોલ સ્ટેશન ક્રોસિંગ સ્ટેશન તરીકે પૂરતા સ્ટાફ અને સુવિધાઓ સાથે સક્રિય હતું. આ સ્ટેશનો દ્વારા મિલ કામદારો, સાબરમતી પાવર હાઉસના કર્મચારીઓ અને ગ્રામીણ વિસ્તારના લોકો સરળતાથી આવનજાવન કરી શકતા હતા. ખાસ કરીને, સ્પેશિયલ શટલ ટ્રેનો શરૂ કરીને આ વિસ્તારના ગરીબ કામદારોને વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જોકે, ગેજ પરિવર્તન દરમિયાન સત્તાધીશોએ આ ઔદ્યોગિક ઝોનના વિકાસને સંપૂર્ણપણે અવગણીને છત્રાલ, અણખોલ, કરણનગર અને દેઉસણા સ્ટેશનો બંધ કરી દીધાં છે.
* કડી પંથકના લોકોને રેલ પરિવહનની આવશ્યક સેવાથી વંચિત રહેવું પડ્યું હોવાની ફરિયાદ
આ રૂટ પરના કુલ 6 સ્ટેશનોમાંથી 4 સ્ટેશનો બ્રોડગેજ લાઇનમાં બંધ કરવામાં આવ્યા, જ્યારે માત્ર કડી અને ભોયણી સ્ટેશનો જ કાર્યરત રહ્યા. આ નિર્ણયથી કલોલ-કડી ઔદ્યોગિક ઝોનના વિકાસનો રાજમાર્ગ અવરોધાયો છે. ઉત્તર ગુજરાતની નબળી નેતાગીરીને કારણે આ પંથકના લોકોને રેલ પરિવહનની આવશ્યક સેવાથી વંચિત રહેવું પડ્યું છે. છત્રાલ ગામ, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે, તે ઔદ્યોગિક વિકાસને કારણે રાત-દિવસ ધમધમતું રહે છે. સડક માર્ગે જંકશન બની ગયેલું છત્રાલ રેલમાર્ગ પર સરકાર અને સત્તાધીશોની બેદરકારીથી ઉજ્જડ થઈ ગયું છે. આ પંથકના ગામોએ રાષ્ટ્ર હિતમાં રેલ્વે લાઇન માટે પોતાની કિંમતી જમીનો આપી હતી, પરંતુ તેના બદલામાં મળેલી રેલ સુવિધાઓને બંધ કરી દેવામાં આવી, જે આ પંથક માટે મોટો અન્યાય છે.
•છત્રાલ સહિતના સ્ટેશનોની રેલ સેવાઓ પુનઃજનન કરવા રેલ મુસાફરોની અપીલ
અમૃત ભારત યોજના હેઠળ દેશભરના નાના-મોટા રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ થઈ રહ્યું છે. આ સંદર્ભે, કલોલ-કડી રેલમાર્ગ પરના છત્રાલ, અણખોલ, કરણનગર અને દેઉસણા સ્ટેશનોને અમૃત ભારત યોજનામાં સમાવેશ કરીને પુનઃસ્થાપિત કરવાની માંગ ઉઠી છે. ખાસ કરીને, છત્રાલ સ્ટેશનને ક્રોસિંગ સેવા, ટિકિટ બુકિંગ, પાર્સલ બુકિંગ, રિઝર્વેશન ટિકિટ, સ્ટેશન માસ્ટર ઓફિસ, વાહન પાર્કિંગ, વેઇટિંગ હોલ, વેઇટિંગ રૂમ અને ગુડ્સ બુકિંગ (કન્ટેનર બુકિંગ) જેવી સુવિધાઓ સાથે આધુનિક બનાવવાની જરૂર છે. આ પગલાંથી ન માત્ર હજારો ગરીબ કામદારોને રોજગાર માટે સુવિધા મળશે, પરંતુ ઔદ્યોગિક ઝોનના વિકાસને પણ ગતિ મળશે. સ્થાનિક વેપારી મહામંડળ અને નિવાસીઓએ રેલ્વે પ્રશાસનને આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપીને છત્રાલ સહિતના સ્ટેશનોની રેલ સેવાઓ પુનઃજનન કરવાની અપીલ રેલ મુસાફરો કરી રહ્યા છે.
* રેલ સેવાની ઉણપના કારણે છત્રાલનો વિકાસ અધુરો
છત્રાલ અને આસપાસના વિસ્તારોનો ઔદ્યોગિક વિકાસ ઉત્તર ગુજરાત માટે ગૌરવની વાત છે, પરંતુ રેલ સેવાઓની ઉણપને કારણે આ વિસ્તારનો વિકાસ અધૂરો રહ્યો છે. અમૃત ભારત યોજના હેઠળ આ સ્ટેશનોનું આધુનિકરણ કરીને પ્રજા અને ઉદ્યોગોને નવી દિશા અને દશા આપી શકાય છે.