કલોલમાં જાતિવાદ: ‘દરબાર-બારોટ-રબારીને મકાન ન અપાય’ કહી બંગલામાં પ્રવેશતા રોક્યા, સોસાયટીના હોદ્દેદારો સામે ગુનો દાખલ

કલોલમાં જાતિવાદ: ‘દરબાર-બારોટ-રબારીને મકાન ન અપાય’ કહી બંગલામાં પ્રવેશતા રોક્યા, સોસાયટીના હોદ્દેદારો સામે ગુનો દાખલ

Share On

કલોલમાં જાતિવાદ: ‘દરબાર-બારોટ-રબારીને મકાન ન અપાય’ કહી બંગલામાં પ્રવેશતા રોક્યા, સોસાયટીના હોદ્દેદારો સામે ગુનો દાખલ

ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી ‘અતુલ્ય બંગ્લોઝ’ સોસાયટીમાં જાતિવાદના ભેદભાવની એક ગંભીર ઘટના સામે આવી છે. સોસાયટીના હોદ્દેદારો દ્વારા મકાન માલિકને તેમની જ્ઞાતિના આધારે સોસાયટીમાં પ્રવેશતા અટકાવી, ગેરકાયદેસર રીતે અવરોધ ઉભો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સમાજ એકતાની દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યારે પડોશમાં જ જ્ઞાતિવાદના નામે થતો આવો અન્યાય હિન્દુ એકતાના વિચાર સામે સવાલ ઉભા કરે છે.

કલોલ શહેરમાં રહેતા વેપારી ભરતસિંહ જવાનસિંહ ઝાલાએ ‘અતુલ્ય બંગ્લોઝ’માં બંગલા નંબર 79 ખરીદ્યો હતો. આશરે દસ માસ પહેલા જંત્રી મુજબ 40 લાખ રૂપિયામાં દસ્તાવેજ કરી ખરીદેલા આ મકાનમાં જ્યારે તેમણે રિનોવેશનનું કામ શરૂ કરાવ્યું, ત્યારે સોસાયટીના પ્રમુખ અને અન્ય સભ્યોએ અવરોધ ઉભો કર્યો હતો.

ફરિયાદ મુજબ, સોસાયટીના પ્રમુખ મસરારામ ચૌધરી અને સભ્ય વિજયભાઈ પટેલના કહેવાથી સિક્યુરિટી ગાર્ડે રસ્તામાં બેરીકેટ લગાવી દીધા હતા અને મજૂરોને હેરાન કરીને રિનોવેશનનું કામ બંધ કરાવી દીધું હતું.17 નવેમ્બર 2025ના રોજ ફરિયાદી ભરતસિંહ, તેમનો દીકરો અને મિત્રો સોસાયટીમાં પોતાના મકાને જવા નીકળ્યા હતા. ગેટ નંબર 4 પર સિક્યુરિટીએ તેમને અટકાવ્યા અને જણાવ્યું કે પ્રમુખ મસરારામ અને સભ્ય વિજયભાઈએ તેમને અંદર આવવા દેવાની મનાઈ કરી છે.

ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપ મુજબ, હોદ્દેદારોએ એવું કહીને પ્રવેશ આપવાની ના પાડી હતી કે, “અમો દરબાર, બારોટ તથા રબારીને મકાન આપતા નથી”. જાતિવાદના કારણે તેમને પોતાની માલિકીના મકાનમાં જતા અટકાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ફરિયાદીના પુત્રએ મોબાઈલમાં કેદ કર્યો છે.

પોલીસ કાર્યવાહી

આ મામલે અગાઉ 112 પર કોલ કરીને પોલીસ બોલાવવામાં આવી હતી અને સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ સોસાયટીના હોદ્દેદારોએ પોતાનું વલણ ચાલુ રાખતા આખરે ભરતસિંહ ઝાલાએ કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મસરારામ રેખારામ ચૌધરી (પ્રમુખ), વિજયભાઈ પટેલ (સભ્ય), રોહિતભાઈ હસમુખભાઈ પટેલ, સંજયકુમાર જસુભાઈ પટેલ તથા અન્ય મહિલાઓ અને સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 126, 61(1), 189(2) અને 190 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર