ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ
કલોલમાં આવેલ જાણીતી પર્યાવરણીય સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા આ વખતે પણ પક્ષીઓને સારવાર માટે કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું. અહીં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી તેમજ વધુ ઘાયલ પક્ષીઓને સદભાવના કેન્દ્ર પર મોકલી આપવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા પંચવટી વિસ્તારમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં નામાંકિત એવી કલોલની પર્યાવરણ સંસ્થા ગ્રીનપ્લેનેટ દ્વારા “ કાર્ય અનેક –કર્મ એક” ના થીમ ઉપર પંચવટી કલોલ ખાતે ઘાયલ પક્ષીઓ માટે સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી સંસ્થાના સભ્યો ખડે પગે રહી ઘાયલ પક્ષીઓની સારવાર કરીને વધુ ઘાયલ પક્ષીઓને સદભાવના કેન્દ્રો ઉપર મોકલી દેવામાં આવ્યા હતા.
રેસ્ક્યુ સેન્ટર ઉપર કુલ 39 પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાના સભ્યોએ આજુબાજુના વિસ્તારોમાથી 5 કિલો ચાઇનીઝ દોરીઓ વીણીને તેનો નાશ કર્યો હતો. સતત બે દિવસ સુધી જન જાગૃતિનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. “ ચાઇનીઝ દોરીની ખરીદી એટલે પાપની ખરીદી “ તેમજ સાંજે ફટાકડા ના ફોડવા બાબતે પણ લોકોને સમજ આપવામાં આવી હતી.
બીજા દિવસના અંતે ઉત્તરાયણ 2023 બાબતે ચર્ચા કરવામાં આવી હતી. માર્ચ મહિનાના અંતમાં પાણીના કુંડા, પક્ષીઓના માળા અને બર્ડ ફિડર્સ નું વિતરણ કલોલ અને તાલુકાનાં અનેક વિસ્તારોમાં કરવામાં આવશે એમ સંસ્થાના પ્રમુખ એહમદ પઠાન અને સહમંત્રી રાજેશભાઈ પટેલે જણાવ્યુ હતું.
