ગર્લ્સ હાઈસ્કૂલમાં પક્ષીઓ માટે ચણ એકત્રીકરણ
કલોલમાં જીવદયા માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. અત્યારે કલોલમાં આવેલ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા એક સરાહનીય કામ હાથ પર લેવાયું છે જેની નોંધ સમગ્ર શહેરમાં લેવાઈ છે. કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે જી એમ ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા જીવદયા અંતર્ગત પક્ષીઓ માટે ચણ એકત્રીકરણના અભિયાનનો પ્રારંભ કલોલના મામલતદાર ડૉ એમ એમ પટેલ દ્વારા શાળાના આચાર્ય શારદાબેન ચૌધરી, ઈકો ક્લબના કન્વીનર મિતેશભાઈ જેઠવા અને સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
જેમાં આ પક્ષીઓ માટેના ચણ એકત્રીકરણનું અભિયાન તારીખ 6 /1/ 2022થી 13 /1/ 2022 સુધી ચાલશે આ અભિયાનમાં શાળાના સ્ટાફ પરિવાર દ્વારા 250 કિલો જુવાર પક્ષીઓ માટે આપવામાં આવી અને 200 કિલો જેટલું પક્ષીઓની ચણ માટેનું અનાજ વિદ્યાર્થીની બહેનો દ્વારા એકત્ર કરી જીવ દયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બીજી તરફ કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી પંચવટી રો હાઉસ સોસાયટીમાં તમામ સભ્યોના સહયોગથી કુતરા માટેના લાડુ બનાવવામાં આવ્યા હતા, પંચવટી રો-હાઉસના સભ્યો છેલ્લા દસ વર્ષથી દર વર્ષે કૂતરાઓ માટે લાડુ બનાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.