ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ
ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી ગાંધીનગરના રામકથા મેદાન ખાતે કરવામાં આવી હતી. વન-પર્યાવરણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશ પટેલે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી. અને ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી-અનામિ શહીદવીરોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આપણા માટે આ એક વિશેષ પર્વ છે, માતૃભૂમિના ચરણોમાં વંદન કરવાનું, આપણા શહીદ વીરોને યાદ કરીને તેમના પ્રતિ આદર વ્યક્ત કરવાનું અને સાથે જ રાષ્ટ્રની ગરિમા- ગૌરવ પ્રતિ આપણી રાષ્ટ્રભાવના તથા નિષ્ઠાને સંકલ્પબદ્ધ કરવાનું આ વિશેષ પર્વ છે. માતૃભૂમિની આઝાદી માટે જીવન ન્યોચ્છાવર કરનારા સ્વાતંત્ર્યવીરોને નમન કરું છું અને માભોમની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદોને આ અવસરે વંદન કરું છું.
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોના સપનાના ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા હું સૌને અનુરોઘ કરું છુ. આઝાદી બાદ ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલે સેંકડો રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. આજે ગુજરાતના પનોતાપુત્ર અને આપણા લોકલાડીલા વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે કમરકસીને ભારતને આંતરરાષ્ટ્રીય ફલક પર વઘુ દૈદિપ્યમાન બનાવ્યું છે.