AMCના પીળા બિલ્લા લગાવેલ ગાયોએ દેખા દીધી
કલોલ શહેરમાં પહેલેથી રખડતી ગાયોનો ત્રાસ હતો તેમાં વધારામાં પૂરતું અમદાવાદથી પણ ગાયો આવી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ગાયોને પીળા બિલ્લા લગાવવામાં આવે છે.
આ પીળા બિલ્લા પર એએમસી તેમજ નંબર લખેલો હોય છે. આ નંબર લગાવેલી ગાયો કલોલ શહેરમાં જોવા મળી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. જોકે પાલિકા દ્વારા કોઈ પણ જાતની ગાયોને પકડવા કામગીરી હાથ ધરાઈ નથી જેને કારણે રહીશોમાં રોષ જોવા મળ્યો છે.
કલોલના વિવિધ વિસ્તારોમાં ચોરેને ચોંટે અનેક ગાયો રસ્તાઓ રોકીને બેસી રહેલી હોય છે.આ રખડતી ગાયો અને આખલાઓ ગમે ત્યારે તોફાન અને દોડાદોડી કરી મૂકે છે. જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓને અકસ્માતનો ખતરો રહેલ છે. કલોલમાં અગાઉ પણ ગાયો અને આખલા તોફાન મચાવીને રસ્તા પરથી જતા વાહન ચાલકોને મુસાફરોને અડફેટે લીધા હોવાના દાખલા નોંધાયા છે.
થોડા વર્ષો અગાઉ રેલ્વે પાછળ એક વ્યક્તિને લેતા તેમનું મૃત્યુ થયું હતું. આ બધી ઘટનાઓ પરથી કલોલ નગરપાલિકાએ કોઈપણ જાતનો બોધપાક લીધો ન હોવાનો જણાઈ રહ્યું છે. પાલિકા તંત્રને હાઇકોર્ટે અને એક વખત આકરી ઝાટકણી કાઢી હોવા છતાં ચિરનિંદ્રામાં પોઢી રહ્યું છે. આમ હાઇકોર્ટના આદેશનું જ ભંગ કરતી નગરપાલિકા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણીનો સુર પણ ઉઠ્યો છે.