કલોલમાં અસામાજિક તત્વો બેફામ, પત્રકાર પર હુમલો કરતા ચકચાર મચી
BY પ્રશાંત લેઉવા
- પત્રકારોની સુરક્ષા પર ગંભીર સવાલ ઉપસ્થિત થયા
- આરોપીઓને ઝડપી લેવા માંગ
કલોલ : કલોલમાં છેલ્લા કેટલાય સમયથી ક્રાઈમરેટ વધ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કલોલમાં હવે પત્રકારો પણ સુરક્ષિત નથી.
કલોલના પંચવટીમાં હનુમાન મંદિર રોડ પર બુધવારે રાત્રે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
કલોલમાં રહેતા અને કલોલ ન્યુઝના તંત્રી તરીકે કામ કરતા વિષ્ણુભાઈ પટેલ પંચવટીના હનુમાનજી મંદિરથી અંબિકા નગર તરફ આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને ટક્કર મારીને પાડી દીધા હતા. આ બાદ ગાડીમાંથી એક શખ્સ ઉતર્યો હતો અને વિષ્ણુભાઈ પટેલને ગડદાપાટુનો માર માર્યો હતો તેમ જ માથામાં મારતા તેમને ઈજા પહોંચી હતી કે જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા.
ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને પત્રકારને સારવાર માટે કલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતાં. પત્રકાર દ્વારા કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. કલોલમાં પત્રકારો પર આ રીતે થયેલા હુમલાને કારણે પત્રકાર જગતમાં ચિંતાનું મોજું વ્યાપ્યું છે. આ મામલે તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે.