કલોલ : સુદર્શન ચોકડી પાસે 24 મીટરનો રોડ ખુલ્લો કરવા ઔડાએ દબાણ હટાવ્યું

કલોલ : સુદર્શન ચોકડી પાસે 24 મીટરનો રોડ ખુલ્લો કરવા ઔડાએ દબાણ હટાવ્યું

Share On

કલોલ : સુદર્શન ચોકડી પાસે 24 મીટરનો રોડ ખુલ્લો કરવા ઔડાએ દબાણ હટાવ્યું

By પ્રશાંત લેઉવા

કલોલમાં છેલ્લા કેટલાય સમયથી દબાણ હટાવવાનું કામ ચાલુ છે. કલોલ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવ્યા બાદ હવે ઔડા તંત્ર પણ સફાળું જાગ્યું છે. ઔડાએ કલોલની ટીપી નંબર 6માં આવતો 24 મીટરનો રોડ પહોળો કરવા માટે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરી છે. બોરીસણાની સુદર્શન ચોકડી પાસે રોડ બનાવવા માટે નડતરરૂપ બે મકાનોનું દબાણ દૂર કરાયું છે.


પંચવટી બાયપાસ તરીકે ઓળખાતો આ માર્ગ છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં ઘેરાયેલો હતો. આ માર્ગ પર ઘણી જગ્યાએ દબાણ હોવાને કારણે તેને ખુલ્લો કરી શકાતો નહોતો. હવે ઔડા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્વામિનારાયણ ગુરુકુળથી સિંદબાદ સુધીનો માર્ગ ખુલી જશે. જેને કારણે હાઇવેના સર્વિસ રોડ ઉપર ભારણ ઘટવાની શક્યતા રહેલી છે. આ માર્ગ ખુલી જતા બોરીસણા અને પંચવટી વિસ્તારના રહીશોને અમદાવાદ અને મહેસાણા તરફ જવા માટે સરળતા રહેશે.

બીજી તરફ કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ એક બાયપાસ રોડ પસાર થાય છે પરંતુ તેને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જો આ માર્ગ ખુલ્લો થાય તો અમદાવાદ અને માણસા તરફ જનાર વાહન ચાલકોને ઘણી રાહત થઈ શકે તેમ છે.

કલોલ સમાચાર