કલોલ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, ક્લિક કરી વાંચો કોને કેટલા મત મળ્યા
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ નગરપાલિકાની વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી. વોર્ડ નંબર ચારમાં એક બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી આવી પડી હતી જેમાં 36.93 ટકા મતદાન નોંધાયું હતું. 18 ફેબ્રુઆરી એટલે કે મંગળવારના રોજ કલોલ નગરપાલિકાના વોર્ડ ચારની પેટા ચૂંટણીની મત ગણતરી યોજાઈ હતી જેમાં ભાજપે પોતાને બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
આ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા અનિલાબેન પટેલને 2012 વોટ મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસને વોર્ડ નંબર ચારની ચૂંટણીમાં હાર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ વોર્ડ નંબર 4 માં ખાતું ખોલાવી શકી નથી ત્યારે આ બેઠક કોંગ્રેસ હારી જતા કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રજ્ઞાબેન લાલસિંહ ઝાલાને 1129 વોટ મળ્યા હતા.
મહત્વની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. માનવામાં આવી રહ્યું હતું કે આપના ઉમેદવાર દલિત સમાજમાંથી હોવાથી ત્રિપાંખિયો જંગ જામશે પરંતુ મતદારોએ આપને સંપૂર્ણ જાકારો આપ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. આપના ઉમેદવારને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે. વોર્ડ નંબર 4ની ચૂંટણીમાં નોટાને 89 અને આમ આદમી પાર્ટીને ફક્ત 75 વોટ મળ્યા હતા.