કલોલ નગરપાલિકામાં કાળો દિવસ, રિટેન્ડરિંગનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટના સાડા સાત કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના રિટેન્ડરીંગને લઈને મામલો વધુ વિવાદ પકડતો જાય છે. ગુરુવારના રોજ કલોલ નગરપાલિકા ખાતે 200થી વધુ લોકોના ટોળાએ હલ્લાબોલ કર્યો હતો. કલોલ નગરપાલિકામાં માટલા ફોડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ટોળાએ કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસી જઈને તોડફોડ મચાવી હતી.

કારોબારી સમિતિના ચેરમેનને લાફો પડતા હડકંપ
કારોબારી સમિતિના ચેરમેનને ઉશ્કેરાયેલા ટોળામાંથી એક વ્યક્તિએ તમાચો ઘસી દેતા અફરાતફરી મચી ગઇ હતી.આટલું જ નહીં કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં બેસેલા એક ભાજપના આગેવાન સાથે હાથાપાઈ પણ થઈ ગઈ હતી ત્યારે પાસે રહેલા કલોલ નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખ સાથે પણ અણછાજતું વર્તન કરાયું હતું.કલોલ નગરપાલિકામાં હલ્લાબોલ મચાવવા માટે આવેલું ટોળું ત્યારબાદ ચીફ ઓફિસરની કેબિનમાં ઘૂસ્યું હતું. ટોળાએ રિટેન્ડરિંગ મામલે ચીફ ઓફિસરનો ખુલાસો માંગ્યો હતો.
ભાજપમાં ભયંકર રીતે જૂથવાદ વકર્યો
કલોલમાં રીટેન્ડરીંગ મુદ્દે ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા છે. કલોલ શહેરમાં વિકાસ કાર્યોનું એક વખત ટેન્ડરિંગ થઈ ગયા બાદ ફરીથી રિ ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું જેને પગલે એક જૂથ નારાજ થઈ ગયું છે. ત્યારબાદ કલોલ નગરપાલિકામાં હલ્લાબોલ કરાયો હતો. કલોલ ભાજપમાં જૂથવાદને કારણે વિકાસ કાર્યો અટકી પડ્યા છે. અગાઉ પ્રમુખની નિમણૂક વખતે નવ નગર સેવકો આડા ફાટ્યા હતા જેને પગલે કામગીરી અટકી પડી હતી. હવે અન્ય બે નવા જૂથ સામસામે આવી જતા પ્રજાને પીસાવાનો વારો આવ્યો છે.
MLA ગ્રાન્ટનાં મંજુર થયેલ કામોનું રિટેન્ડરિંગ કરાતા રાજકારણ ગરમાયું
કલોલ નગરપાલિકા અને વિવાદ એકબીજાના પર્યાય થઈ ગયા તેમ લાગી રહ્યું છે. કલોલ નગરપાલિકામાં હવે નવો વિવાદ ઊભો થયો છે. કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની સાડા સાત કરોડની ગ્રાન્ટમાંથી થનારા વિકાસના કામો ઉપર બ્રેક લાગી છે. શહેરના જુદા જુદા વોર્ડમાં સાડા સાત કરોડના ખર્ચે રોડ અને પેવર બ્લોકના કામ કરવાના હતા પરંતુ મંજૂર થઈ ગયેલા કામનો સત્તા પક્ષની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સભ્યોએ રિટેન્ડરીંગ માગતા કામ અટકી પડ્યું છે.
કલોલમાં ભાજપના ધારાસભ્ય બકાજી ઠાકોરની સાડા સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી શહેરનાં જુદા જુદા વોર્ડ અને વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવનાર હતા. આ વિકાસના કામોને લઈને પ્રક્રિયા બાદ કામ મંજૂર થઈ ગયું હતું જોકે સત્તા પક્ષના કેટલાક કોર્પોરેટરોએ તેનો વિરોધ કર્યો હતો અને મંજૂર થયેલા કામનું રીટેન્ડરીંગ માંગતા રાજકારણ ગરમાયુ છે. શહેરમાં વિકાસના કામો અટકી ગયા છે અને હવે રિટેન્ડરિંગ બાદ જ નવા કામ શરૂ થશે જેને લઈને નગરપાલિકામાં ફરી જૂથવાદ અને અંદરો અંદર ખેંચતાણ સર્જાઇ હોય તેઓ તેવી ચર્ચા ઉઠી છે.
