CM ભૂપેન્દ્ર પટેલ સિક્યુરિટી વગર અચાનક વડોદરા પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય વડોદરા જિલ્લાના સુખાલીપુરાના ગ્રામજનોને શુક્રવારે સવારે થયો હતો.સુખાલીપુરા ગામમાં હજુ તો લોકો પોતાની દિનચર્યા શરૂ કરે ત્યાં સુધીમાં ત્યાં તો તેમને એક સુખદ આશ્ચર્યનો અનુભવ થયો. CM રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સાથે અમદાવાદથી મોટર માર્ગે સુખાલીપુરા ગામે પહોચ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા ગામે પહોચી ગયેલા જોઇ ગ્રામજનો તો અચંબામાં પડી ગયા.
મુખ્યમંત્રીએ પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણ ખેડૂતો-માતા-બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી.તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૃચ્છા કરી હતી.
મુખ્યમંત્રી સૌ પ્રથમ સુખાલીપુરાના નવી નગરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડી કેન્દ્રમાં પણ જઇને આંગણવાડી કાર્યકર બહેનો સાથે વાતચીત કરી, નંદઘરમાં અપાતી સુવિધા, પોષક આહાર, રમકડાં, અભ્યાસ સામગ્રી વિશે પૂછપરછ કરી જાણકારી મેળવી હતી.
CMએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી એવા વિઠ્ઠલભાઇ મોતીભાઇ વણકરને યોજના અંગે પૃચ્છા કરી હતી. યોજનામાં મળવાપાત્ર રકમ સમયસર મળી રહે છે? મકાનનું કામ સારી રીતે થયું છે? પાકા મકાનમાં રહેવાની મજા આવે છે? સહિતની બાબતોની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. ગામમાં ૨૦ ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે.
મુખ્યમંત્રી સુખાલીપુરા ગામના પાદરમાં તળાવના કિનારે મૂકાયેલા બાંકડા ઉપર બેસી ગયા હતા. એક બીપીએલ રાશનકાર્ડ ધારક સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં પૂરતુ રાશન મળે છે કે કેમ? સમયસર દુકાન ખુલે છે? ક્યું રાશન આપે છે? આ બાબતની જાણકારી મેળવી હતી.
એ દરમિયાન, સરપંચ શ્રી નવનિતભાઇને જાણ થતાં તેઓ ત્યાં આવી પહોચ્યા હતા અને વાતવાતમાં કહ્યું કે, સાહેબ તમે આવવાના છો તેની જાણ કરી હોત તો સારૂ થાત.
મુખ્યમંત્રીશ્રીએ સ્મિત સાથે સહજતાથી સરપંચને કહ્યું કે, જો તમને જાણ કરી હોત તો તમે બધી તૈયારી કરી રાખી હોત. મારે તો ગામની વાસ્તવિક સ્થિતિ જાણવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વિમાની મથકેથી રાષ્ટ્રપતિશ્રીને જામનગર જવા વિદાય આપ્યા બાદ અચાનક જ આ ગ્રામીણ વિસ્તારોની મોટરમાર્ગે નિરીક્ષણ મુલાકાતનો નિર્ણય કર્યો અને કોઇને ય જાણ કર્યા વિના અમદાવાદ, વડોદરા હાઇ-વે પર થઇને સુખાલીપુરા પહોચી ગયા હતા.
મુખ્યમંત્રીએ વડોદરાના એકતાનગરની પણ મુલાકાત લીધી હતી અને અહીં રહેતા નાગરિકો પાસેથી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીની સાદગી, સહજતા અને ગ્રામીણ નાગરિકો સાથેનો ઉષ્માપૂર્ણ વ્યવહાર જોઇને ગ્રામજનોના મુખ પર પોતીકી સરકારના પોતાના મુખ્યમંત્રીનો સંતોષ દેખાતો હતો.
મુખ્યમંત્રીશ્રીની સાદગી, સહજતા અને ગ્રામીણ નાગરિકો સાથેનો ઉષ્માપૂર્ણ વ્યવહાર જોઇને ગ્રામજનોના મુખ પર પોતીકી સરકારના પોતાના મુખ્યમંત્રીનો સંતોષ દેખાતો હતો.