આખરે કલોલ નગરપાલિકા જાગી, બે દિવસમાં ઢોર પકડ ઝુંબેશ શરૂ કરાશે
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાયોનો ત્રાસ વધી ગયો છે. આ ગાયો માર્ગો પર અવાર નવાર અકસ્માત સર્જતી હોય છે જેને કારણે નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. જેને પગલે કલોલ નગરપાલિકા ખાતે ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરની અધ્યક્ષતામાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઢોરોના ત્રાસ અટકાવવા સારું રબારી સમાજ સાથે મીટીંગ ગોઠવી તેમને પોતાના ઢોરો પોતાના વાડામાં રાખવા સમજાવામાં આવ્યા હતા.
કલોલમાં બહારથી જે ગાયો અહીંયા પુષ્કળ પ્રમાણમાં આવી છે તે ગાયો જો અહીં કોઈ સાચવતું હોય તો તેમને પરત કરાવવા તથા નવીન કોઈ ગાયો લેવા નહીં તેવી સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બે દિવસમાં ગાયો પકડવાની ઝુંબેશ શરૂ કરવાની એમને સુચના આપવામાં આવી હતી. ઢોર પકડવાની કામગીરી દરમિયાન જે વ્યક્તિ અડચણરૂપ બનશે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવે તેવી જાણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં તાલુકા પંચાયતના ટીડીઓ કલ્પેશસિંહ ચાવડા, ચીફ ઓફિસર મનોજ સોલંકી ,પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર આર પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રબારી સમાજના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી સહકાર આપવાની ખાતરી આપી હતી.