કલોલમાં ગઠિયાઓ UGVCLના નામે છેતરપિંડી કરતા હોવા છતાં વીજ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
BY પ્રશાંત લેઉવા
કલોલ શહેરમાં યુજીવીસીએલના નામે છેતરપિંડી કરનારા લેભાગુ તત્વો વધી ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાંથી તેમણે છેતરપિંડીથી પૈસા પડાવ્યા હોવાની બુમરાણ ઉઠી છે, પરંતુ આ સમગ્ર મોડસ ઓપરેન્ડસી અને ગઠીયાઓ વિશે યુજીવીસીએલને જાણ હોવા છતાં તેમણે વિરુદ્ધ કોઈપણ જાતની કામગીરી કરતું નથી.

પંચવટી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક વ્યક્તિ પહોંચે છે અને પોતે વીજ કંપનીનો કર્મચારી છે તેવી ઓળખ આપે છે. મહિલાને જણાવે છે કે તમારા ભાઈને થ્રી ફેઝ વીજળીનું કનેક્શન લેવાનું હોવાથી 50,000 રૂપિયા ભરવા પડશે. મને તેમણે મોકલ્યો છે તો આ પૈસા આપો.મહિલા પૈસા આપી દે છે. પાછળથી માલુમ પડે છે કે આ કોઈ જીઈબીનો કર્મચારી નહીં પરંતુ ભેજાબાજ ગઠિયો હતો. આ મામલે કલોલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ છેતરપિંડીનો ભોગ બનેલ લોકોએ પોલીસ અને યુજીવીસીએલમાં ફરિયાદ કરી છે.
હવે યુજીવીસીએલ આવા ગઠિયાઓથી બદનામ થઈ રહી છે. યુજીવીસીએલના નામે આવા ગઠિયાઓ ચરી ખાય છે તેમને દબોચવાની જગ્યાએ અને ગ્રાહકોને સાચી માહિતી આપવાની જગ્યાએ ફક્ત હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યું છે. ભોગ બનનાર ગ્રાહકોને યુજીવીસીએલ ફક્ત સાંત્વના જ આપે છે પરંતુ પોતાની બદનામી થઈ રહી હોવા છતાં યુજીવીસીએલ ખુદ ફરિયાદી બનતું નથી. શા કારણે યુજીવીસીએલ આવા લેભાગુ તત્વોને બચાવી રહ્યું છે તે મોટો સવાલ છે. આવા તત્વો સાથે યુજીવીસીએલના અધિકારીઓ કે કર્મચારીઓ પણ સંકળાયેલા છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. આ પ્રકારની ઘટનાઓ બનતી હોવા છતાં કચેરી તેના ગ્રાહકોને કેમ જાગૃત કરતી નથી ? વધુમાં તેના કર્મચારીઓ પણ કેમ આઈકાર્ડ પહેરતા નથી ?
આ તમામ સવાલનો જવાબ તો યુજીવીસીએલ જ આપી શકે તેમ છે. એટલે જો તમારા ઘર દુકાન કે શોપિંગ સેન્ટર પર યુજીવીસીએલના નામે કોઈ ઉઘરાણી કરવા આવે તો તમે તેનો આઈ કાર્ડ જરૂરથી માંગો. આશા રાખીએ યુજીવીસીએલ આનો જવાબ આપે.