અમેરિકામાં પકડાયેલ 7 ગુજરાતીઓનું શું થશે ? આવી મોટી અપડેટ
મૃતક પરિવાર સાથે કેનેડા ગયેલ અન્ય ગુજરાતીઓ પોલીસને હાથે પકડાઈ ગયા હતા. હવે તેમને પરત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કેનેડામાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરનારા સાત ગુજરાતી નાગરિકોને છોડી મૂકવામાં આવશે અને તેમને ભારત રવાના કરાશે. અમેરિકાના કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા સાતેય ભારતીયોને રવાના કરવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે. આ ગુજરાતીઓને ઘૂસણખોરી કરાવનારા અમેરિકન નાગરિક સ્ટીવ શેન્ડ પર માનવ તસ્કરીનો કેસ ચાલશે.
અંતિમવિધિ કેમ અહીં નહીં કરાય,વાંચો
કેનેડામાં મૃત્યુ પામેલ પટેલ પરિવારને લઈને ડીંગુચામાં બંધ પાળવામાં આવશે. પરિવારની ઓળખવિધિ કેનેડામાં કરવામાં આવી હતી અને હવે ત્યાં જ એમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. અમેરિકા-કેનેડાની સરહદે એક ભારતીય પરિવારનું અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં મોત થયું હતું. ચાર સભ્યોનો આ પરિવાર કાતિલ ઠંડી અને બરફવર્ષામાં ફસાઈ ગયો હતો.
ઠંડીમાં થીજી જવાથી પતિ-પત્ની, એક ટીનેજર પુત્ર અને એક નાનકડાં બાળકનું મોત થયું હતું. મેનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેઈન પોલીસે જણાવ્યું હતું કે એમર્સન નજીક કેનેડા-અમેરિકાની સરહદે કેનેડાની હદમાં ચાર મૃતદેહો મળ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન પતિ-પત્ની, એક કિશોર અને એક નવજાત બાળના મોત થયાનું જણાયું હતું.
કેનેડિયન સત્તાવાળાઓને તે “માનવ તસ્કરી”નો શંકાસ્પદ કેસ હોવાનું જણાયું. તેમની ઓળખ જગદીશ પટેલ (39), તેમની પત્ની વૈશાલીબેન (37), પુત્રી વિહાંગી (11) અને પુત્ર ધાર્મિક (ત્રણ) તરીકે થઈ છે. અધિક પોલીસ મહાનિર્દેશક (CID-ક્રાઈમ) અનિલ પ્રથમે જણાવ્યું હતું કે, “હવે પુષ્ટિ થઈ છે કે પરિવાર ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામનો હતો.
એક મૃતદેહ ભારત પરત લાવવા અંદાજિત 40 લાખ ખર્ચ થઈ શકે છે, એટલે 4 મૃતદેહ માટે 1 કરોડ કરતાં વધુ રકમ થઈ શકે તેમ છે અને પરિવાર માધ્યમવર્ગીય છે. પરિવારની એમ્બેસી સાથે પણ ચર્ચા થઈ હતી, જે બાદ મૃતદેહ પરત નહીં લાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.