કલોલમાં કલેક્ટર-પ્રાંત અધિકારીની મનાઈ છતાં કોમર્શિયલ બાંધકામ ચાલુ રખાતા રોષ

કલોલમાં કલેક્ટર-પ્રાંત અધિકારીની મનાઈ છતાં કોમર્શિયલ બાંધકામ ચાલુ રખાતા રોષ

Share On
કલોલના વર્ધમાન નગર સહીત ની સોસાયટીના રહીશો રહેણાંક વિસ્તારમાં વાણિજ્યિક પ્રવૃત્તિ થતી હોવાથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.આ બાબતને લઈને સરકારમાં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ કલેકટર અને પ્રાંત  અધિકારી દ્વારા ઔડા અને નગરપાલિકાને નવા બાંધકામની મંજૂરી નહીં આપવા સૂચન કરવામાં આવ્યું હતું. જોકે હાલ બેથી ત્રણ જેટલી કોમર્શિયલ બિલ્ડીંગ-હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું  હોવાનું સામે આવતા રહીશો ચોંકી ઉઠ્યા છે.
કલોલમાં આવેલ શ્રીનગર સોસાયટી,વર્ધમાન નગર,રામ બલરામ ફ્લેટ,પૃથ્વી એપાર્ટમેન્ટના રહીશોએ છેલ્લા કેટલાક માસથી હોસ્પિટલો તેમજ કોમર્શિયલ પ્રવૃત્તિ કરનાર ધંધાર્થી વિરુદ્ધ લડત આદરી છે. રહેણાંક અને શાંત વિસ્તારમાં હોસ્પિટલોને કારણે ટ્રાફિક,પાર્કિંગ,ઘોંઘાટ સહીતની સમસ્યાઓ પેદા થઇ છે. આ આ ઉપરાંત ગટર અને પાણી સંબંધિત ફરિયાદ પણ સામે આવી છે. જેને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ હતી.
આ બાદ પ્રાંત અધિકારની અધ્યક્ષતામાં નાગરિકો અને ડોકટરોની પણ એક સંયુક્ત બેઠક યોજાઈ હતી.જેમાં  નગરપાલિકા અને ઔડાના અધિકારીઓ સામેલ હતા. આ વિસ્તારમાં પણ એક પણ નવા કોમર્શિયલ બિલ્ડીંગ ને મંજૂરી નહીં આપવામાં આવે તેવો આદેશ કર્યો હતો. તેમ છતાં આજે પણ બેથી ત્રણ બિલ્ડીંગ બની રહ્યા છે જેમાં હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
ફરી નવા બાંધકામની મંજૂરી મળવાની જાણ થતા વર્ધમાન નગર ના રહીશો દ્વારા પાલિકામાં અરજી કરવામાં આવી છે. જેમાં સમગ્ર વિસ્તારમાં નવા બાંધકામની મંજૂરી ન આપવામાં આવે તેમજ આ મુદ્દો ઠરાવ માં લેવાય તેવી માંગ કરાઈ છે. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. વધુમાં અમુક બિલ્ડિંગ પર મોબાઈલ કંપનીના ટાવર પણ લગાવવામાં આવ્યા છે તેમજ તેમના જનરેટર નીચે રોડ પર મુકવામાં આવતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર