કલોલમાં તૂટેલા ગટરના ઢાંકણાને પગલે વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો

કલોલમાં તૂટેલા ગટરના ઢાંકણાને પગલે વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો

Share On

કલોલના જાહેર રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણા અકસ્માતને ખુલ્લું નોતરું આપી રહ્યા છે……

કલોલ ના વિવિધ વિસ્તારોમાં ગટર ઢાંકણા તૂટેલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ગટરના ઢાંકણા તૂટેલી અવસ્થામાં હોવાને લીધે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. તેમજ તંત્રને ચારે તરફથી લોકો દ્વારા ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

કલોલમાં આવેલા મુખ્ય જાહેરમાર્ગો પર છેલ્લા કેટલાય સમયથી ગટરના ઢાંકણા તુટેલી અવસ્થામાં હોવા છતાં તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. કલોલનો મુખ્ય વિસ્તાર એવા સારદા સર્કલ પાસે છેલ્લા કેટલાય સમયથી ગટરનું ઢાંકણું તૂટેલી અવસ્થામાં હોવા છતાં પણ તંત્ર દ્વારા નવું ગટરનું ઢાંકણું નાખવામાં આવી રહ્યું નથી. જેથી આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેમજ આળસમાં નિદ્રાધીન બનેલ તંત્ર સામે લોકો ફિટકાર પણ વરસાવી રહ્યા છે.

આ સમસ્યા માત્ર એક વિસ્તારપૂરતી સીમિત ન હોય તેમ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ અમૃતકુંજ સોસાયટી પાસે પણ યોગ્ય ગુણવત્તાના તેમજ પ્રોપર લેવલીંગ ના અભાવે ગટરનું ઢાંકણું છેલ્લા કેટલાય દિવસથી ગટર પર પ્રોપર ફીટ થયાં વિનાનું જોવા મળી રહ્યું છે. જેને બદલીને નવું ઢાંકણું નાખવા માટે પણ તંત્ર દ્વારા આળસ કરવામાં આવી રહી છે. જેને કારણે ત્યાંથી પસાર થતાં વાહનોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ભય પણ ફેલાયો છે.

પાલિકા તંત્ર દ્વારા ઝડપથી તૂટેલા ગટરના ઢાંકણા ને બદલવા માટેની કામગીરી કરવામાં આવે તેમજ યોગ્ય ગુણવત્તાવાળા ગટરના ઢાંકણા નાખી પ્રજાની સુખાકારી માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ થઈ રહી છે. તથા અકસ્માતને ખુલ્લું નોતરું આપી રહેલ આ ગટરના ઢાંકણાને તંત્ર દ્વારા સત્વરે બદલી નવું ઢાંકણું નાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

કલોલ સમાચાર