કલોલ નગરપાલિકાનું અધધ 9.87 કરોડ રૂપિયા વિજબીલ ભરવાનું બાકી
કલોલ નગરપાલિકાનું 9.87 કરોડ રૂપિયાનું માતબર વીજળીનું બિલ બાકી હોવાનો સામે આવ્યું છે. જીઈબી તંત્ર દ્વારા ફક્ત મામુલી રકમનું બિલ બાકી હોવા છતાં ગ્રાહકોને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે ત્યારે કલોલ નગરપાલિકાનું અધધ..9.87 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ બાકી છે ત્યારે પાલિકા વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી તેવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે જીઈબીની બે ધારી નીતિ છડેચોક ઉઘાડી પડી ગઈ છે.
ગુજરાત રાજ્યમાં ફક્ત કલોલ જ નહીં પરંતુ અન્ય 50થી પણ વધુ નગરપાલિકાઓ વીજળીનું બિલ ભરવા માટે સક્ષમ નથી તેવો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત વિગત અનુસાર કલોલમાં વિકાસના મસમોટા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલિકાએ 9.87 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ ભર્યું નથી જેને પગલે તરેતરેહની ચર્ચાઓ શરૂ થઈ છે.
બીજી તરફ કલોલમાં જીઈબી દ્વારા ગ્રાહકો પાસેથી નાની રકમનું બિલ ચૂકવવા માટે પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે તેમજ તેમનું વીજળીનું કનેક્શન કાપી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતા હોય છે ત્યારે કરોડો રૂપિયાનું નગરપાલિકાનું બિલ બાકી છે તો આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ ઉપસ્થિત થયો છે.