કલોલમાં જાણીતી ગેસ કંપનીના કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા
By પ્રશાંત લેઉવા
કલોલ
કલોલના અંબિકા હાઇવે પાછળ આવેલા પુષ્પરત્ન કોમ્પ્લેક્સની દુકાનમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાઈ ગયા હતા. પોલીસે ખાનગી બાતમીને આધારે રેડ પડી ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 84 હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ તમામ શખ્સો પાઇપલાઇનથી ગેસ પૂરું પાડતી કંપનીના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે.
કલોલ શહેરમાં જુગારની બદી ફુલી ફાલી છે ત્યારે કલોલ શહેર પીઆઈને બાતમી મળી હતી કે અંબિકા બસ સ્ટેન્ડ પાછળ આવેલા પુષ્પરત્ન કોમ્પ્લેક્સની 16 અને 17 નંબરની દુકાનમાં જુગાર રમાય છે. જેને પગલે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ પુષ્પરત્ન કોમ્પ્લેક્સમાં પહોંચી હતી. આ દુકાનોની અંદર તપાસ કરતા ટેબલ ઉપર પાંચ ઇસમો જુગાર રમતા હતા. જેને પગલે પોલીસે કોર્ડન કરી તેમને ઝડપી લીધા હતા.
પોલીસે યોગેશભાઈ કાંતિલાલ શાહ રહે ગાયત્રી મંદિર પાસે, જય દિલીપકુમાર પંડ્યા રહે.બોરીજ ગામ, પાર્થ બીપીનભાઈ જીવાણી રહે. શીલજ, હાર્દિકભાઈ ડોડીયા રહે. ગાંધીનગર અને ભૌમિક શુક્લ રહે.જુના ચોરા કલોલને ઝડપી લીધા હતા. પોલીસે ટેબલના વચ્ચેના ભાગે પડેલા દાવ ઉપર રૂપિયા એકત્રિત કરી જોતા 4600 મળી આવ્યા હતા. તેમજ આ આ શખ્સો પાસેથી કુલ 24,800ની રોકડ અને મોબાઈલ મળ્યા હતા પોલીસે 84,800 નો મુદ્દા માલ કબજે લઈ પાંચેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ હાથ ધરી હતી.