કલોલ પૂર્વની ચામુંડા સોસાયટી – જ્યોતિ પાર્ક આગળ રખડતા ઢોર-કૂતરાઓથી ભય
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ અતિશય વધી ગયો છે. પૂર્વ વિસ્તારમાં આવેલ ચામુંડા, જ્યોતિ પાર્ક અને મૂળહંસ સોસાયટી આગળ રખડતી ગાયો આખલાઓને કુતરાઓને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અવારનવાર અહીં આખલા ઝઘડતા હોવાથી ત્યાંથી પસાર થતાં રાહદારીઓને વાહનચાલકોને અકસ્માતનો ખતરો પણ રહેલો છે.
પૂર્વ વિસ્તારમાં ઓએનજીસી રોડથી લાયન્સ નગર તરફ જવાના માર્ગ પર રખડતા ઢોર અને કુતરાઓ અડિંગો જમાવીને બેસી રહે છે. રાત્રી દરમિયાન અહીંથી રાહદારી અને વાહનચાલકો પસાર થાય ત્યારે કૂતરાઓ તેમની પાછળ પડતા હોવાના બનાવ પણ નોંધાયા છે તેમજ ઘણી વખત કરડી જતા હોય છે. આ જ માર્ગ પર રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ વધી જતા લોકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કલોલ પાલિકા તંત્ર દ્વારા આ મામલે કામગીરી કરવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે.