ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદે અનિલ પટેલ રીપીટ થતા કાર્યકરોમાં રાજીપો, અનેક દાવેદારોની મનની મનમાં રહી ગઈ
ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની નિમણૂક અંગેની અટકળોનો અંત આવ્યો છે. ભાજપે ગુરુવારે શહેર અને જિલ્લા પ્રમુખોના નામની યાદી જાહેર કરી હતી.
ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદે અનિલ પટેલની નિમણૂક કરવામાં આવતા પાયાના કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદની રેસમાં ઘણા બધા દાવેદારો હતા. જોકે અનિલભાઈની કામગીરીને જોતા પક્ષ દ્વારા તેમને ફરી એક વખત તક આપવામાં આવતા મુરતિયાઓની મનની મનમાં રહી ગઈ છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે અનેક આગેવાનોએ જબરદસ્ત લોબિંગ કર્યું હતું પરંતુ તેઓ ફાવ્યા નહોતા. અને આખરે પક્ષે પસંદગીનું કળશ અનિલભાઈ પટેલ પર ઢોળ્યું હતું. ગાંધીનગરમાં એક્શન લેવાઈ તેનું રિએક્શન કલોલમાં પણ જોવા મળ્યું હતું.
બીજી તરફ એક મહત્વના ઘટનાક્રમ પર ધ્યાન દોરવામાં આવે તો કલોલ રેલ્વે પૂર્વ અને પશ્ચિમને જોડતા ગરનાળા બહાર ભાજપ શહેર પ્રમુખને શુભેચ્છા પાઠવતું બેનર લગાવવામાં આવ્યું હતું પરંતુ ગુરુવારની રાત્રીના રોજ તેમના શુભેચ્છકોના ફોટા ફાડી નાખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે. કલોલ સ્ટેશન પોલીસ ચોકીની બહાર જ આ રીતની ઘટના બનતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.