ગાંધીનગર જિલ્લામાં નોકરી આપતા અગાઉ કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવી પડશે
ગાંધીનગર જિલ્લાના તમામ બિલ્ડરો, હોટલ માલિકો, શો-રૂમ માલિકો, કંપની-કારખાનાના માલિકો અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોએ તેમના કર્મચારીઓની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી પડશે.
સામાન્ય રીતે મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકોને રોજગારી આપતી વખતે તેમની હિસ્ટ્રી ચેક કરવામાં આવતી નથી. જેને પગલે ઘણી વખત અસામાજિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને પણ નોકરી મળી જતી હોય છે જે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર ખતરો ઉભો કરે છે.
રાજ્યના પાટનગરમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓના નિવાસ્થાન અને વિધાનસભા જેવી મહત્વની સરકારી ઇમારતો આવેલી છે. આ સ્થળોની સુરક્ષા જાળવવા અને ગુનાખોરી અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલ ધર્મશાળા સંચાલકો, મોલ સંચાલકો, દુકાનદારો, આંગડિયા પેઢી માલિકો અને ઘરેલુ કામદાર રાખનારા લોકોએ પણ કર્મચારીઓની માહિતી આપવી પડશે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.