સરકારી શાળામાં ભણેલા વિદ્યાર્થીનો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ખુલ્લો પત્ર વાઇરલ
રાજ્યના શિક્ષણ મંત્રી એવા જીતુ વાઘાણીએ એક નિવેદન કર્યું છે કે જેને અહીં ન ફાવે તે બીજે જતા રહે. જેને લઈને સરકારી શાળામાં ભણેલ અને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ એવા સુબોધ પરમારે ખુલ્લો પત્ર લખ્યો છે જે વાઇરલ થયો છે.
આ પત્ર જીતુભાઈ વાઘાણીને પહોંચે….
જીતુભાઇ,
પ્રવાસી શિક્ષકો પછી પ્રવાસી વિદ્યાર્થીઓ અને પ્રવાસી વાલીઓ પણ બનાવશો કે શું??
શિક્ષણની ઘોર ખોદી નાખીને અને સામાન્ય માણસના મોંઘવારીમાં બરડા તોડીને તમે એમના છોકરાઓને ભણાવવા બીજી જગ્યાએ જવાનું કહો છો?
તમે સરકાર ચલાવો છો કે ટ્રાન્સપોર્ટ કંપની??
કંઈ થાય એટલે લોકોને સીધા મુસાફરી જ કરવાનું કહો છો?? પણ આ વખતે તમે થોડી રાહત આપી છે. તમારી પાર્ટીના લોકો પહેલા બીજા દેશમાં જવાનું કહેતા હતા પણ મોંઘવારીને ધ્યાને રાખીને તમે દેશ પુરતા સીમિત રહેવાનું કહ્યું એ બદલ રાજ્યની જનતા તમારી આભારી છે.
ક્યાં ‘કોટા ફેક્ટરી’ વેબ સીરીઝના વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કરતા જીતુભૈયા અને ક્યાં તમે? તમે તો જીતુભૈયાનું નામ બોળ્યું જીતુભાઇ.
સરકારી શાળાઓ બંધ કરીને તમે ગરીબોની મશ્કરી કરતા હોય એમ એમને બીજા રાજ્યોમાં જઈને ભણવાનું કહો છો? આવી મશ્કરી કરતા પહેલા તમારી જીભ જાડી થઈને તમારા મોઢામાં જ કેમ ના અટકી ગઈ?
જે સરકારી શાળામાં ભણીને તમે આજે ભાષણો આપતા થયા છો એ સરકારી શાળા જેવી શાળાઓ તો કમસેકમ આપી દો.
વિદ્યાસહાયકો ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવવા તૈયાર છે પણ તમે નવી સરકારી શાળાઓ ખોલીને અને જુની શાળાઓની સુધારણા કરીને એમને એ સગવડ તો આપો. કે પછી તમને વાયબ્રન્ટ ગુજરાતના તાયફાઓમાં ખાલી ઉદ્યોગપતિઓ માટે જ લાલ જાજમ પાથરવી છે અને જમીનો પધરાવી દેવી છે?
Success Story : આ દલિત મહિલા ઘેર ઘેર કોલસા વેચતાં હતા, આજે છે અબજોના માલિક
સરકારી શાળા અને મેદાનો માટે પણ થોડી જમીન બચાવીને રાખો તો રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવાસી બનાવવાની જરૂર નહીં પડે અને ખેલ મહાકુંભનો જશ ખાટવા ભવિષ્યમાં ભાડાના મેદાનો નહીં લેવા પડે.
પ્રાઈવેટાઈઝેશનને પ્રોત્સાહિત ન કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવાસી વિદ્યાર્થી બનાવીને બીજા રાજ્યમાં જતા રહેવાની સલાહ તમારા પુરતી રાખવાની મહેરબાની કરશોજી..
લિ. ગુજરાતની સરકારી શાળામાં ભણેલો વિદ્યાર્થી
– સુબોધ
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો