આરસોડીયા ગ્રામ પંચાયતના સદસ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
કલોલ: તાજેતરમાં યોજાયેલી કલોલ તાલુકાના આરસોડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં શ્રી મુકેશભાઈ વાઘેલા અને વોર્ડ નંબર 7માં શ્રી ધીરજકુમાર જાદવ સભ્ય તરીકે વિજયી થયા હતા. આ નિમિત્તે ગામના કાર્યકર્તાઓ અને નાગરિકો દ્વારા નવનિર્વાચિત સદસ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે નિલેશભાઈ આચાર્ય, હંસાબેન રાઠોડ, રામજીભાઈ સોલંકી, ભરતભાઈ રાઠોડ, રમણભાઈ લેઉવા, કેતન રાઠોડ, બિપીનભાઈ સોલંકી, જયદીપભાઈ વ્યાસ, ભાવનાબેન સોલંકી, કોકિલાબેન નાગર અને દીપકભાઈ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના અન્ય અગ્રણીઓ અને નાગરિકોએ પણ નવા સદસ્યોને શુભકામનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આરસોડીયા ગ્રામ પંચાયતનો વિસ્તાર લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. નવા કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને પંચાયતની ચૂંટણીમાં ભાગ લીધો અને સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, જેનાથી ગામમાં રાજકીય સમીકરણોમાં પરિવર્તન જોવા મળ્યું છે.
નવનિર્વાચિત સદસ્યો મુકેશભાઈ વાઘેલા અને ધીરજકુમાર જાદવે જણાવ્યું કે, તેઓ ગામના વિકાસ અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે નવા સદસ્યોના નેતૃત્વમાં આરસોડીયા ગામનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે.