કલોલમાં બે ભાઈ વચ્ચે મકાન વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને માર માર્યો
કલોલની નવજીવન મિલની ચાલીમાં બે સગા ભાઈઓ બાખડ્યા હતા. મારા બાપુજીના ઘરમાંથી જતો રહેજે તેમ કહી મન ફાવે તેમ ગાળો બોલી ગડદા પાટુનો માર મારતા તેમજ લાકડી લાવીને માથાના ભાગે ફટકો મારતા ઈજાગ્રસ્ત થયેલ નાના ભાઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત અનુસાર નવજીવન મિલની ચાલીમાં રહેતો નાનો ભાઈ સાંજના સાડા પાંચ વાગે રીક્ષા લઈને ઘરે આવ્યો હતો ત્યારે તેના મોટાભાઈ અને ભત્રીજો પરીક્ષા પાસે આવીને મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને અમારા બાપુજી નું ઘર ખાલી કરીને જતો રહેજે તેમ કહ્યું હતું. જેથી નાના ભાઈએ આ મકાન બાપુજીનું છે તમારું નથી તેવું કહેતા મોટો ભાઈ અને તેનો પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. ગડદા પાટુનો માર માર્યો હતો તેમજ મોટાભાઈએ લાકડી લઈ આવી માથાના ભાગે ફટકો મારતા નાના ભાઈએ બૂમાબૂમ કરી દીધી હતી. જેથી તેની પત્ની આવી ગઈ હતી. મોટા ભાઈએ પત્નીને પણ લાફો મારી દેતા દીધો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને નાના ભાઈને સારવાર માટે ગાંધીનગર ખાતે લઇ જવાયો હતો. મારામારીને પગલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.