કલોલમાં જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ,વિકાસકાર્યો માટે 40 લાખનો ચેક અર્પણ
ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૮મા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર કલોલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. મહામૂલી આઝાદી માટે બલિદાન આપનાર અનેક શહીદ વીરોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મેહુલ દવે એ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ એ પ્રત્યેક દેશવાસીઓ અને ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે. ૧૫ ઓગસ્ટએ સમગ્ર જીવન દરમિયાન રાષ્ટ્રભાવનાને સતત આપણામાં ધબકતી રાખનારું અનેરૂં પર્વ છે. પ્રત્યેક દેશવાસી આ પર્વની ઉજવણી તન- મન – ઘનથી ખરા ઉત્સાહ સાથે કરે છે. આજનો આ પર્વ દેશની આઝાદી માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા નામી- અનામી શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મહામૂલો અવસર છે.
તેમણે ઉમેર્યું હતું કે, આખો દેશ ૭૮મા આઝાદી પર્વ ઉજવી રહ્યો છે, એ આઝાદીના મૂળિયાં જેમણે સીંચ્યા છે, એવા આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકારીઓ, અનેક નામી- અનામી એવા સૌ કોઇને આજના પુણ્ય દિવસે સ્મરણ કરીને, એ સૌને વંદન સાથે શ્રધ્ધા સુમન અર્પણ કરું છું. વર્ષોના વર્ષો અવરિત સંધર્ષ કરીને, બ્રિટિશરોની લાઠીઓ ખાઇ- ખાઇને, ગોળીઓ ઝીલી-ઝીલીને ફાંસીના તખ્તા ઉપર ચઢીને શહીદ વીરોના મા ભારતીયના ચરણોમાં સ્વાર્પણને કારણે આ મહામૂલી આઝાદી આપણા દેશને મળી છે.ખુદીરામ બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઇ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, આદિવાસી વન બંધુઓના ક્રાંતિ સંગ્રામના પ્રણેતા ગોવિંદ ગુરૂ, રવિશંકર મહારાજ, કનૈયાલાલ મુન્શી જેવા વીર સપૂતોનું સ્મરણ કરી એમને મારી ભાવાજંલિ અર્પુ છું. આવા અનેક નામી – અનામી લોકોએ આઝાદીની લડતનું નેતૃત્વ કરીને બ્રિટિશરો સામે લડતાં – લડતાં આપણને આ મહામુલી આઝાદી અપાવી છે, એ તમામ મહાનુભાવોના ચરણોમાં શ્રધ્ધાસુમન અર્પણ કરું છું.
જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, દેશવાસીઓમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ ઉજાગર કરવાના ઉમદા અભિગમથી દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ હર ધર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં સર્વે નાગરિકો સ્વયં જોડાઇને રાષ્ટ્ર પ્રત્યે પોતાના ભાવને ઉજાગર કર્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા, તિરંગા રેલી, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી, તિરંગા સન્માન તેમજ તિરંગા મેલા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના દરેક ગામથી લઇને શહેર સુઘી કાર્યક્રમનું આયોજન કરીને આઝાદી મળી તે સમયે જેવો ઉત્સાહ હતો, તેવો માહોલ ઉભો થયો હતો.
આજથી સાડા સાત દાયકાઓ પૂર્વે આઝાદીનો જંગ જીતીને સ્વરાજય મળ્યું હતું. અનેક ક્રાંતિકારીઓના યોગદાન સાથે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ સ્વરાજય અપાવ્યું છે, હવે, ગુજરાતના સપૂત વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશ વિશ્વ ફલક ઉપર નવી ઉંચાઇઓ હાંસલ કરી રહ્યું છે. ત્યારે સુરાજયની દિશામાં મુક્મ અને આત્મબળ સાથે ડગભરીને વર્ષ- ૨૦૨૪૭ સુધીમાં વિકસીત ભારતના નિર્માણ તરફ દેશ આગળ વધી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ કાર્યોને નવી દિશા આપનાર અને સર્વાંગી વિકાસને પ્રાઘાન્ય આપનાર રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અથાગ પ્રયત્નો થકી આજે ચાર અક્ષરનો શબ્દ ’ ગુજરાત’ વિકાસ શબ્દનો પર્યાય બની ગયો છે. જેમાં રાજયનું પાટનગર ગાંધીનગર જિલ્લો રાજયની અપૂર્વ વિકાસયાત્રામાં પૂર્ણપણે સહભાગી બનીને નવા આયામો સિધ્ધ કરી રહ્યો છે. આ જિલ્લો સમગ્ર રાજયના સર્વોચ્ચ વિકાસનું ગ્રોથ એન્જિન બનીને વિકાસ કરી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને ઘોરણ- ૧ મા ૨૨ હજારથી વધુ અને ઘોરણ- ૯ મા ૧૨ હજાર જેટલા બાળકોની પ્રવેશવિધી સંપન્ન કરાવવામાં આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગની સાંસ્કૃતિક વિરાસતને વિશ્વના નાગરિકો સુધી પહોંચાડી સર્વત્ર સુખન : સન્તુ અને સર્વ જન સુખાયની ભારતીય સંસ્કૃતિના ભાવને જન જન સુધી પહોંચાડ્યો છે. વિશ્વ યોગ દિવસની ઉજવણી ૧૪૩૨ સ્થળો ખાતે કરવામાં આવી હતી. જેમાં બે લાખ ૬૦ હજારથી વધુ નાગરિકો સહભાગી બન્યા હતા.જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા સાત માસમાં ૬ હજારથી વધુ યુવાનોના નામની નોંધણી કરવામાં આવી છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૬,૩૫૦ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે. તેમજ સાત માસમાં ૧૨ રોજગાર ભરતીમેળાનું આયોજન કરીને ૧૫૫૪ ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. ૧૦ સ્વરોજગારી માર્ગદર્શન શિબીરનું આયોજન કરીને ૧૮૬૬ ઉમેદવારોને માર્ગદર્શન આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. તેની સાથે ૨૮ શાળા-કોલેજો ખાતે કેરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના નાગરિકોને આરોગ્ય લક્ષી સેવા ખૂબ જ ઝડપી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબધ્ધ છે. ગાંધીનગર જિલ્લાના ૧૭ આયુર્વેદ દવાખાનામાં ૧ લાખ ૪૧ હજારથી વધુ અને હોમીયોપેથી દવાખાનામાં ૪૮ હજારથીવધુ નાગરિકોએ સારવાર મેળવી છે. ગાંધીનગર જિલ્લામાં વધુ બે આયુષ ગ્રામ મંજૂર કરાવવામાં આવ્યા છે. . નેશનલ આયુષ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એન્યુઅલ એક્શન પ્લાન માં વર્ષ ૨૦૨૩-૨૪ માં જિલ્લાવાસીઓ માટે રૂ. એક કરોડ પચાસ લાખથી વધુની ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવી છે.પશુપાલન ક્ષેત્રે અગ્રેસર ગાંધીનગર જિલ્લામાં પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહિત કરવા પશુપાલન શાખા દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવે છે. જિલ્લામાં કોલવડા અને ડેમલિયા ખાતે બે પશુ દવાખાના નવીન બનાવવામાં આવશે. આ સાથે કુલ- ૨૬ પશુપાલન દવાખાના કાર્યરત થશે. જિલ્લામાં કુલ પાંચ મોબાઇલ પશુ સારવાર વાન અને એક કરૂણા એમ્બ્યુલન્સ કાર્યરત છે. જિલ્લામાં ૫ લાખ જેટલા પશુઓને સારવાર હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય વિસ્તારને હરિયાળુ બનાવવાની નેમ સાથે પર્યાવરણની જાળવણીને પ્રાધાન્ય આપી રહ્યા છે. જે અંતર્ગત કલોલ તાલુકાના સાંતેજમાં ૩ હજાર હેકટર જમીનમાં ૩ હજાર કરતાં વઘુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગાંધીનગર જીલ્લામાં ખાતાકીય ૨૧૨ હેકટરમાં અઢી લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતલક્ષી ૬૦૫ હેકટરમાં પાંચ લાખથી વધુ રોપાઓનુ વાવેતર કરવામાં આવ્યું છે. કલોલના નાસમેદ ગામ ખાતે 3૬ હજાર વૃક્ષો થકી તૈયાર થનારું આ વન સંપૂર્ણ મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવશે.પર્યાવરણરક્ષા માટે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે સમૌ ગામના ગ્રામજનો દ્વારા રૂ. ૧૫ લાખની માતબર રકમ એકઠી કરાઈ હતી.
પર્યાવરણની જાળવણી અર્થે વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ’એક પેડ મા કે નામ’ મહાઅભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. સમગ્ર રાજયમાં આગામી તા. ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ સુધી અર્બન ફોરેસ્ટ મહા અભિયાન યોજવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અન્વયે રાજ્યભરની ૫૩ હજાર આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગરથી આંગણવાડીથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, સતત જનસુખાકારી કામોને પ્રાધાન્ય આપનાર કેન્દ્રીય ગૃહ અને સાસંદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ દરેક ગામ સુધી જ નહિ, પણ દરેક નાગરિક સુઘી જઇ લોકાભુમિખ વહીવટી તંત્રનું નિર્માણ કરવાના ઉમદા ભાવ સાથે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ગ્રામ સંકલન અભિયાન અંતર્ગત ’રાજય સેવક તમારા ગામે’ કાર્યક્રમનો આરંભ થયો છે. આ કાર્યક્રમ રાજયભરમાં સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લામાં શરૂ થયો છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ- સહકાર મંત્રી અમિત શાહનાં હસ્તે ફેબ્રુઆરી માસમાં રૂપિયા ૭૫૮ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કામોમાં સરગાસણ, કુડાસણ, રાયસણ, કલોલ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ પ્રક્લ્પોનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના ૨૬૬૩ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું હતું. ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકાના ૩ હજાર કરતાં વઘારે ગરીબ પરિવારોને ઘરનું ઘર સરકારના સહયોગથી સંપન્ન થયું છે.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, કલોલ તાલુકાના જાસપુર ખાતે ૬૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ ૬૨.૪૧ કરોડ રુપિયાના ખર્ચે કરાયુ છે. આ પ્લાન્ટ થકી ગટરના પાણીને શુધ્ધ કરવામાં અને શુધ્ધ કરેલ પાણીનો ઉદ્યોગમાં ઉપયોગ માટે વાપરી પાણીની બચત કરવાનો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગર દ્વારા કલોલ તાલુકામાં રીસરફેસીંગ ઓફ રાંચરડા ટુ રણછોડપુરા રોડની કામગીરી રુપિયા ૩.૦૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. રાંચરડા થી રણછોડપુરા જતો રોડ ૩.૬૦ કિ.મીનો ૭.૦૦ મીટર પહોળો મુખ્ય જિલ્લા માર્ગ છે.આ માર્ગ રીસરફેસ થવાથી ગ્રામજનોને તેનો લાભ મળશે. આ સરકારના શાસનમાં આરોગ્ય સેવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કલોલમાં તાલુકાને શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત મેડીકલ કોલેજ આપવામાં આવી છે.રાજ્યના તમામ નાગરિકોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
કલોલ – માણસા તાલુકાને જોડતા કલોલ- નારદીપુર- માણસા રોડને રૂ. ૬૨ કરોડથી વધુના ખર્ચે ચાર માર્ગીય કરવામાં આવનાર છે. તેની સાથે કલોલ, માણસા અને વિજાપુર તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ ચાર માર્ગીય થતા અહીં ટ્રાફિકનું ભારણ ઘટશે અને ઇંધણની બચત થશે. એસ.ટી. વિભાગની નવી ૨૫ બસ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરી સર્વિસની ગાંધીનગર કલોલ પાનસર રૂટની પાંચ નવી બસને લીલી ઝંડી આપવામાં આવી છે. કલોલનાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસ્તાર ખાતેથી અમૃત યોજના 2.0 અંતર્ગત કલોલ નગરના વોર્ડ નંબર ચાર, પાંચ અને અગિયારમાં ભૂગર્ભ ગટરના રૂ. ૩૭.૯૫ કરોડના વિકાસ કામો થઇ રહ્યા છે. કલોલ નગરમાં રૂ. ૪ કરોડ ૫૩ લાખના ખર્ચે સીસી રોડ, પેવર બ્લોક, સ્ટોર્મ વોટર લાઈન તથા પાણીની પાઇપલાઇનના કામો હાલમાં કાર્યરત છે. રૂ. ૨૧ લાખના ખર્ચે આરસોડિયા ગ્રામ પંચાયતના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે સ્વામિનારાયણ સ્કૂલ, કલોલ સરકારી શાળા નંબર ૪, સી.આઈ. પટેલ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ, સઈજ પ્રાથમિક શાળા અને અનન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. તેમના કાર્યક્રમ નિહાળીને ઉપસ્થિત સર્વે મંત્રમુગ્ધ બની ગયા હતા. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રૂ. ૪૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ઉપસ્થિત સર્વે નગરજનોનું અભિવાદન પણ ઝલ્યું હતું. રમતગમત, સામાજિક, કૃતવ્ય નિષ્ઠ કર્મયોગીઓ અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું જિલ્લા કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ બબીતાબેન ઠાકોર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ, નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ, કલોલ પ્રાંત અધિકારી જૈનિલ દેસાઈ સહિત જિલ્લાના અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.