આરસોડીયા ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડીમાં આંતરિક વિખવાદને પગલે પ્રજાના કામો ટલ્લે ચડ્યા
કલોલ તાલુકાના આરસોડીયા ગામમાં જ્યારથી ચૂંટાયેલી પાંખે વહીવટ સંભાળ્યો છે ત્યારથી પ્રજાની હાલાકીમાં વધારો થઇ ગયો છે. નાગરિકોને આશા હતી કે નવી બોડી આવશે તો ગામનો વિકાસ અને ગટર,પાણી,સ્વચ્છતા, રોડ-રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાઓમાં પડતી હાલાકીનો અંત આવશે. જોકે આ આશા સંદતર ઠગારી નીકળી છે. ચૂંટાયેલી પાંખમાં આંતરિક ગજગ્રાહ અને મતભેદો સપાટી પર આવતા પ્રજાના કામો ટલ્લે ચડી ગયા છે.
આરસોડીયા ગ્રામ પંચાયતમાં પણ અન્ય ગામડાઓની જેમ વહીવટદારનું રાજ હતું. જોકે ત્યારબાદ ચૂંટણી થતા નવી બોડીએ વહીવટ સંભાળ્યો હતો. સરપંચ સહીતની ચૂંટાયેલ પાંખે શાસનની ધુરા સંભાળતા પ્રજાના કામો રોકેટ ગતિએ થશે તેમ લોકોએ વિચાર્યું હતું. પરંતુ નવી બોડીમાં આંતરિક વિવાદો શરુ થઇ જતા વિકાસનો મુદ્દો અભેરાઈએ ચડી ગયો છે.
આરસોડીયા ગામ અને સોસાયટી વિસ્તાર બંને જગ્યાએ અનેક સમસ્યાઓ ખડી થઇ છે. ગામના અમુક આંતરિક રસ્તા ખોદી દેવામાં આવ્યા છે. બીજી તરફ સોસાયટી વિસ્તારમાં ગંદકી વધી છે. સોસાયટી વિસ્તારમાં લાયન્સ નગરની પાછળ આવેલા મેદાનમાં અસહ્ય ગંદકી થઇ છે. ત્યાં પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે તેમ છતાં પંચાયત દ્વારા સફાઈ હાથ ધરવામાં આવતી નથી જેને કારણે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગ્રામ પંચાયતમાં નવી બોડીના હજુ ત્રણ માસ પણ થતા નથી ત્યારે આંતરિક ગજગ્રાહ અને વિવાદોને કારણે સામાન્ય પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો છે.
