જીજ્ઞેશ મેવાણીના હાર્દિક પર ચાબખા
હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. હવે જીગ્નેશ મેવાણીએ આ અંગે પત્રકાર પરિષદ યોજી હાર્દિક પટેલને ડરી ગયેલો ગણાવ્યો હતો અને પાર્ટી છોડતી વખતે તેના પર ગરિમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. પત્રકાર પરિષદમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હું કોંગ્રેસ પક્ષ સાથે ઉભો છું. હાર્દિક પટેલે પાર્ટી છોડી દીધી પરંતુ તેણે ગરિમાનું ધ્યાન ન રાખ્યું. તેણે વધુમાં કહ્યું કે, હાર્દિક પટેલે તેની સામે 30-35 કેસના ડરથી તેની વિચારધારા સાથે સમાધાન કર્યું છે.
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે જે રીતે ભાજપ દેશમાં હિંદુ-મુસ્લિમમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યું છે તે જ રીતે કોંગ્રેસ મોંઘવારી, રોજગાર જેવા મુદ્દે દેશને જોડવાનું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, હાર્દિક પટેલને જેલ જવાનો ડર સતાવી રહ્યો છે. તેથી જ તેઓ વિચારધારા સાથે સમાધાન કરી રહ્યા છે. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે હાર્દિક પટેલને અચાનક અદાણી અને અંબાણી માટે આટલો પ્રેમ કેવી રીતે થઈ ગયો?
જીજ્ઞેશ મેવાણી અડગ અને નીડર રહેતા લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો,હાર્દિક-અલ્પેશના વળતા પાણી
તેમણે હાર્દિક પટેલ પર કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે અમારું મનોબળ તૂટશે નહીં. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું કોંગ્રેસ સાથે છું અને કોંગ્રેસ સાથે જ રહીશ. હું લાખો લોકોને કોંગ્રેસ સાથે જોડીશ.હાર્દિક પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારે પાટીદાર સમાજને આવી અનામત આપી નથી. પાટીદાર અનામત માટે આંદોલન કરવું પડ્યું. આ માટે 14 પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.