કલોલ: છત્રાલ-કડી રોડ પર ખાતર કૌભાંડ, કંપનીમાં દરોડા, બે શખ્સોની ધરપકડ
કલોલ તાલુકાના છત્રાલ-કડી રોડ પર આવેલી સલાસર લેમીનેટ લિમિટેડ કંપનીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કંપનીમાં દરોડો પાડવામાં આવ્યા હતા.
કંપનીમાંથી સરકારની સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર મળી આવ્યું છે. પોલીસે પિકઅપ ડાલામાંથી યુરિયાની 50 થેલીઓ જપ્ત કરી હતી, જેમાં સરકારની સબસિડી અને ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના’નો ઉલ્લેખ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો હતો.
પોલીસે પિકઅપ ડાલાના ડ્રાઈવર વીરાજી ઠાકોર (રહે. માથાસુર, કડી) અને બ્રિજેશ લાકડીયા (રહે. કલોલ)ની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પિકઅપ ડાલો (કિંમત અંદાજે રૂ. 3,00,000), 50 યુરિયા થેલીઓ (કિંમત રૂ. 25,000) અને ત્રણ મોબાઇલ ફોન (કિંમત રૂ. 49,325) મળી કુલ રૂ. 3,74,325નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં કંપનીના માલિક સહિત કુલ ચાર શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.