આપદાના સમયે જ કલોલ વીજ તંત્રના કર્મચારીઓ ખોખલા સાબિત થયાં 

આપદાના સમયે જ કલોલ વીજ તંત્રના કર્મચારીઓ ખોખલા સાબિત થયાં 

Share On

વરસાદ અને વાવાઝોડાની આગાહી હતી છતાં વીજ વિક્ષેપ રોકવા કોઈ જ પૂર્વ તૈયારી ના કરાઈ

• સોમવારની રાત્રે ગાજવીજ-તોફાની વરસાદ વચ્ચે લોકોને અંધારામાં રહેવા મજબૂર થવું પડ્યું

 

• બાળકો-વૃદ્ધો અને ખાસ કરીને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને સહન કરવાનો વારો આવ્યાની ચર્ચા

 

કલોલ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગત તા. ૪ મેથી ૮મે સુધી વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને પાંચ મેના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. જેમાં સોમવારની રાત્રે કલોલ શહેર અને તાલુકાના વિસ્તારોમાં ભારે પવન સાથે પડેલા વરસાદ સામે વીજ પુરવઠો આપવામાં વીજ તંત્રના કર્મચારીઓ ખોખલા સાબિત થયા હતાં. વાવાઝોડા અને વરસાદની આગાહી હોવા છતાં કલોલ વીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ વીજ વિક્ષેપ ના થાય અને લોકોને મુશ્કેલી ન પડે તે અંગેની કોઈ જ પૂર્વ તૈયારી કરવામાં ન આવી હોય તેવું વીજળી ડૂલ થવાની ઘટનાથી સ્પષ્ટ જણાઈ આવે છે.

કલોલ શહેર અને સમગ્ર પંથકમાં સોમવારની રાત્રે ભારે ગાજવીજ, વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશમાં કડાકા કરતી કુદરતી વીજળી, ગર્જના કરતા વાદળો વચ્ચે સરકારની લાડકી દીકરી ‘વીજળી’ તંત્રના જવાબદારોના કારણે રિસામણે બેસી જતા અંધારપટ છવાઈ ગયો હતો. જેને લઈને બાળકો તેમજ વૃદ્ધો અકળાયા હતા. એટલું જ નહીં પરંતુ વીજ વિક્ષેપ થવાથી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ તેમના સગા વાલા અને ખુદ હોસ્પિટલ સંચાલકોમાં પણ દોડધામ જોવા મળી હતી. આમ, કલોલનું વીજતંત્ર આપદા ના સમયે જ વીજ સેવા આપવામાં ઊણું ઉતર્યું હોવાની વ્યાપક ફરિયાદો વીજ ગ્રાહકોમાંથી ઉઠી હતી.

 

વીજ તંત્રના અધિકારીઓએ કોઈ જ પૂર્વ તૈયારી રાખી ન હોય તેમ બીજા દિવસે પણ ઝબુક વીજળી ઝબૂક થયું 

 

જિલ્લામાં વાવાઝોડા અને તોફાની વરસાદની આગાહી હોવા છતાં કલોલનું વીજતંત્ર એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જાણે કોઈ પૂર્વ તૈયારીમાં જ ન હોય તે રીતે શહેરના અનેક વિસ્તારોના ટ્રાન્સફોર્મમાં વરસાદી પાણીના સ્પર્શ થવાથી ભડાકા થયા હતા. જેને લઈને લોકોને આખી રાત અંધારામાં વિતાવવાનો વારો આવ્યો હતો. બીજા દિવસે મંગળવારે પણ વહેલી સવારથી વિવિધ તંત્રના કર્મયોગી કર્મચારીઓના આશીર્વાદથી લોકોને ‘ઝબુક વીજળી ઝબુક’ ની રમત જોવા મળી હતી. જોકે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી મહદ અંશે છુટકારો મળ્યો છે. પરંતુ વીજ વિક્ષેપના કારણે અનેક વિવિધ પ્રકારની મુશ્કેલી પણ સહન કરવી પડી હતી.

 

કલોલ સમાચાર