દબાણ અધિકારીને રાજકીય દબાણ આવતા કામ અટકાવવામાં આવ્યું…..
કલોલ નગરપાલિકા દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવી હતી. જે માત્ર નામની કરવામાં આવી હોય તેમ માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો.માત્ર નાની દુકાનોના ઓટલા તોડીને મોટી દુકાનોના સેડ અને મોટા ઓટલાને બક્ષી દેવામાં આવ્યા હતા.
કલોલમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના દબાણ બ્રાન્ચના અધિકારીઓ દબાણ હટાવવા માટે નીકળ્યા હતા. અધિકારીઓ દ્વારા ગુરૂદ્વારા રોડ પાસે આવેલી ગેરકાયદેસર દબાણ કરેલ કેટલીક દુકાનોના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે કેટલીક દુકાનોના સેડ અને મોટા ઓટલા બહાર હોવા છતાં તોડવામાં આવ્યા ન હતા. વધુમાં દબાણ દૂર કરવાનો માત્ર દેખાડો જ કરવામાં આવ્યો હોય તેમ રાજકીય ઓળખાણ ધરાવતા વેપારીઓના સેડ તેમજ ઓટલા તોડવામાં આવ્યા ન હતા.
સ્ટેશન રોડ પર ઠેર ઠેર થયેલ દબાણ સપષ્ટ જોવા મળતું હોવા છતાં નગરપાલિકા દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા માત્ર નામનું જ દબાણ દૂર કરી સંતોષ માનવામાં આવ્યો હતો. વધુમાં બુલ્ડોજર નો માત્ર નામનો જ ઉપયોગ કરીને બુલડોજરના ઇંધણને વેડફવામાં આવ્યું હતું. તેમજ પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો હતો.
કલોલ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર માત્ર દબાણ હટાવો ઝુંબેશના નામે દેખાડો બંધ કરીને દબાણ કરેલ દરેક દુકાનના ઓટલા તેમજ સેડ તોડાવે તેવી લોકમાંગ થઈ રહી છે.